કાલોલ તાલુકાના દેવપુરા ગામની સીમમાં વેચાણ કરેલ જમીન પર તેના અગાઉના માલિકોએ ગેરકાયદેસર કબ્જો જમાવી જમીન પચાવી પાડવા, જમીનમાં વાવેલા નીલગીરીના વૃક્ષો કાપી નાંખવા તેમજ જમીન માલિકના વારસદારને જાનથી મારી નાંખવાની ધમકી આપવાના આક્ષેપો હેઠળ મલાવના એક મહિલા ચાર ઈસમો સામે કાલોલ પોલીસ સ્ટેશનમાં લેન્ડગ્રેબિંગ એકટ હેઠળ ગુનો નોંધાયો હોવાની ધટના પ્રકાશમાં આવી છે.
કાલોલ પોલીસ સ્ટેશનમાં મહેસાણા જિલ્લાના લાઘણજ ગામના વતની હાલ મુંબઈ ખાતે નોકરી કરતા વિશાલભાઈ જીતેન્દ્રકુમાર પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના પિતાએ કાલોલ તાલુકાના દેવપુરા ગામે રેવન્યુ સર્વે નં.-૩૯/૨ મુજબની મુખ્ય આરોપીઓ કમળાબેન કાંતિભાઈ પરમાર અને કાંતિભાઈ કાભીભાઈ રાઠોડની જમીન વર્ષ-૨૦૧૦માં વેચાણ કરતા ફરિયાદીના માતા ભાવનાબેન પટેલ ખેડુત ખાતેદાર હોવાની એ એમના નામે વેચાણ દસ્તાવેજોથી ખરીદી હતી. વર્ષ-૨૦૧૩ થી વિશાલની નોકરી મુંંબઈમાં મળતા પરિવાર મુંબઈ રહેવા જતો રહ્યો હતો. તે દરમિયાન વેચાણ આપનાર આરોપીઓએ વેચાણ કરેલ જમીન પર ગેરકાયદેસર કબ્જો જમાવીને જમીનમાં વાવેલા નીલગીરીના વૃક્ષો પણ કાપી નાંખ્યાનો આક્ષેપ કરાયો છે. જે ધટનાની જાણકારીના પગલે વિશાલ પટેલ જમીનનો કબ્જો મેળવવા માટે ઓગસ્ટ-૨૦૨૬માં જમીનની સરકારી માપણી કરાવવા માટે સ્થળ પર પહોંચ્યા ત્યારે તે સમયે પુર્વ માલિકોએ લાકડીઓ સાથે આવીને આ જમીન અમારી છે હવે પછી અહિં આવશો તો જાનથી મારી નાંખીશુ તેવી ધમકીઓ આપીને માપણી પણ કરવા દીધી ન હતી. જેથી પંચમહાલ જિલ્લા કલેકટર કચેરીમાં લેન્ડગ્રેબિંગ એકટ હેઠળ ઓનલાઈન અરજી કરી હતી. એ ઓનલાઈન અરજીને કલેકટર કચેરીની તપાસ સમિતિ દ્વારા માન્ય રાખીને તાજેતરમાં કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવાના આદેશ અનુસાર ગેરકાયદે કબ્જો જમાવનાર કમળાબેન કાંતિભાઈ પરમાર, કાંતિભાઈ કાભઈભાઈ રાઠોડ, રણજીત ચોૈહાણ અને નિર્મલકુમાર શ્યામલાલ સુખવાલ(તમામ રહે.મલાવ, તા.કાલોલ)વિરુદ્ધ લેન્ડગ્રેબિંગ એકટ તેમજ ગેરકાયદે નીલગીરીઓની કાપણી અને જાનથી મારી નાંખવાની ધાક ધમકીઓ સહિતની વિવિધ ધારાઓ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.