–કરોડોના ખર્ચે બનેલ નગરમાં ચાર ટાંકીઓ શોભાનો ગાંઠિયો
સંતરામપુર નગરપાલિકાના અણધડ વહીવટના કારણે દિવા તળે અંધા કહેવત અત્યારે બિલકુલ સાર્થક બની છે. કડાણા ડેમથી દુર આવેલા ખેડા અને દાહોદ સુધી પાણી પહોંચાડવામાં આવે છે. જયારે ડેમથી માત્ર ૧૫ કિ.મી.ના અંતરે આવેલા સંતરામપુર નગરમાં પાણી માટે હાહાકાર મભ્યો છે. પાલિકાના નબળા વહીવટના કારણે આજે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પાણીના એક એક બેડા માટે વલખા મારી રહ્યા છે. નગરના સદ્ધર પરિવારો પોતાના ખર્ચે બોર કરાવી લીધા છે. પરંતુ ૪૦ ટકા ગરીબ-મધ્યમ વર્ગના પરિવારો પાલિકાની લાઈન પર નિર્ભર છે. આ પરિવારોને અન્યના ધરે પાણી માટે આજીજીઓ કરવી પડે છે.
બીજી તરફ પાલિકા તંત્ર પાઈપલાઈન તુટી ગઈ છે તેવા બહાના ધરે છે. પરંતુ હુસેૈની ચોક, ભોઈવાડા, ભાટિયા ટેકરી અને બ્રાહ્મણવાડા જેવા વિસ્તારોમાં જયાં કોઈ કામ ચાલતુ નથી ત્યાં પણ છેલ્લા ૧૫ દિવસથી પાણી પુરવઠો ઠપ્પ છે. અહિં ચાર-ચાર દિવસે માત્ર ૧૫ મિનીટ જ પાણી આપવામાં આવે છે.ચાર પાણીની ટાંકીઓ ઉપલબ્ધ હોવા છતાં માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે. પાલિકાના વહીવટ સામે જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.