પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક એવા ગોધરા શહેરમાંથી એક અત્યંત ગંભીર અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના વ્યસ્ત ગણાતા પોલન બજાર વિસ્તારમાંથી એક મોટી શાળાની બિલકુલ નજીક, ગોધરા નગરપાલિકાના કચરાના ક્ધટેનર પાસે ખુલ્લેઆમ જોખમી તબીબી કચરો(બાયોમેડિકલ વેસ્ટ)ફેંકાયેલો જોવા મળતા ચકચાર મચી જવા પામી હતી.
ગોધરાના આ ભરચક મુખ્ય માર્ગ પર કચરાના ઢગલાઓની વચ્ચે બિનવારસી હાલતમાં સેલાઈન બોટલો, બ્લડ સેમ્પલની ખાલી નાની બોટલો, મેડિકલ ટ્યુબિંગ(નળીઓ), અને અન્ય જોખમી તબીબી સાધનો વેરવિખેર પડેલા નજરે પડ્યા હતા. આ માર્ગ ૨૪ કલાક સતત ધમધમતો માર્ગ છે. આસપાસ અનેક નાના-મોટા ક્લિનીકો આવેલા છે. જેમાંથી કોઈક દ્વારા આ ગંભીર લાપરવાહી કરાઈ હોવાની આશંકા છે. માસુક વિદ્યાર્થીઓ અને સ્થાનિકોના સ્વાસ્થ્ય સાથે મોટુ જોખમ જે સ્થળે આ ચેપી કચરો ફેંકવામાં આવ્યો છે. તેને અડીને જ એક મોટી શાળા આવેલી છે. શાળાના અસંખ્ય વિદ્યાર્થીઓ દરરોજ અભ્યાસ અર્થે અહિંથી જ પસાર થાય છે. બાયોમેડિકલ વેસ્ટના કારણે એચઆઈવી, હેપેટાઈટીસ-બી, અને સી જેવા ગંભીર જીવલેણ રોગો ફેલાવવાનુ જોખમ રહેલુ છે. વળી, રખડતા પશુઓ આ કચરો ફંફોસતા હોવાથી ચેપ હવામાં કે પાણીમાં ભળીને મોટો રોગચાળો ફેલાવી શકે છે. આ ગંભીર બેદરકારી સામે આવતા જ લોકોમાં આરોગ્ય વિભાગ, પાલિકા અને જીપીસીબી ની નિષ્ક્રિયતા સામે અનેક સવાલો ઉભા થયા છે.