જીતાડો તો અમે દિલ્હી-પંજાબની જેમ સુરતમાં પણ વર્લ્ડ ક્લાસ મ્યુનિસિપલ સ્કૂલો અને હોસ્પિટલો બનાવી શકીએ,મનીષ સિસોદિયા

ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે, ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અને દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ સુરતની મુલાકાત લઈ ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો. સુરતમાં કાર્યકરોને સંબોધતા તેમણે ભાજપના ત્રણ દાયકાના શાસન પર આકરા પ્રહારો કર્યા હતા.

મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે, “પાંચ વર્ષ પહેલાં સુરતના લોકોએ ૧૨૦માંથી ૨૭ બેઠકો આપીને જે વિશ્વાસ મૂક્યો હતો, તે અમારા માટે મોટી ઉપલબ્ધિ હતી. વિરોધ પક્ષમાં હોવા છતાં અમારા કાઉન્સલરોએ સ્કૂલો સુધારવા અને હોસ્પિટલોમાં બેડ વધારવા માટે લડત આપીને કામ કરી બતાવ્યું છે. આ વખતે જનતા અમને પૂર્ણ બહુમત આપશે જેથી અમે દિલ્હી-પંજાબની જેમ સુરતમાં પણ વર્લ્ડ ક્લાસ મ્યુનિસિપલ સ્કૂલો અને હોસ્પિટલોબનાવી શકીએ.”

તાજેતરમાં ‘આપ’ પર લાગેલા હવાલાના આરોપો અંગે પ્રતિક્રિયા આપતા તેમણે સીધો પડકાર ફેકયો હતો. તેમણે કહ્યું, “જા મોદીજી બ્લેક મની નાબૂદીની વાત કરતા હોય તો ગુજરાતમાં આંગડિયાઓ કોના સંરક્ષણમાં ચાલે છે? પોલીસ જા હિંમત હોય તો આંગડિયા પેઢીઓના એક મહિનાના સીસીટીવી ફૂટેજ જાહેર કરે. કયા નેતાઓ અને કોના સંતાનો ત્યાં લેવડ-દેવડ કરવા આવે છે તે સત્ય જનતા સામે આવી જશે. માત્ર સેકન્ડોના એડિટ કરેલા વીડિયો બતાવી પ્રોપેગાંડા કરવાનું બંધ કરો.”

ટેક્સ અને સ્માર્ટ મીટરના મુદ્દે સુરતના વેપારીઓ અને લોકોને સિસોદિયાએ જણાવ્યું કે, સુરતમાં ‘આપ’ની સરકાર આવશે તો પાણી પર ટેક્સ નહીં લાગે અને બિનજરૂરી કરબોજ ઘટાડાશે. સ્માર્ટ મીટરના નામે મળતિયા કંપનીઓ દ્વારા થતી ખુલ્લી લૂંટ બંધ કરાવવાની તેમણે ખાતરી આપી હતી. સુરતના વેપારીઓ હીરા અને ટેક્સટાઈલથી દેશને કરોડોનો ટેક્સ આપે છે. સરકાર પાસે પૈસાની કમી નથી, પણ ભાજપના ભ્રષ્ટાચારને કારણે સુવિધાઓ લોકો સુધી પહોંચતી નથી.”