જય જગન્નાથના ગગનભેદી નાદ સાથે ઝાલોદ નગર ગુંજી ઉઠ્યું

દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર, ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલાની ઉપસ્થિતિમાં ભગવાન શ્રી જગન્નાથજીની નવમી ભવ્ય રથયાત્રા ઐતિહાસિક ભક્તિભાવ સાથે સંપન્ન

અષાઢી બીજના પવિત્ર અવસરે ઝાલોદ નગરમાં ભગવાન શ્રી જગન્નાથજીની નવમી ભવ્ય રથયાત્રા શ્રદ્ધા, ભક્તિ અને અખૂટ ઉત્સાહના માહોલ વચ્ચે ભવ્ય રીતે યોજાઈ હતી. સનાતન હિન્દુ ઉત્સવ સમિતિ, ઝાલોદના આયોજન હેઠળ નીકળેલી આ રથયાત્રામાં ઝાલોદ સહિત આસપાસના વિસ્તારોમાંથી હજારો ભાવિકો ઉમટી પડ્યા હતા. સમગ્ર નગર “જય જગન્નાથ… જય જગન્નાથ…”ના ગગનભેદી જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. માર્ગો પર ભગવાનના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી અને સમગ્ર ઝાલોદ ભગવામય બની ગયું હતું.

રથયાત્રાના દિવસે ઝાલોદ નગરમાં મોટાભાગના વેપારીઓએ સ્વૈચ્છિક રીતે પોતાના ધંધા-રોજગાર બંધ રાખી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાને સમર્થન આપ્યું હતું. જોકે કેટલાક સ્થળોએ થોડી દુકાનો ખુલ્લી જોવા મળી હતી, જેને લઈને કેટલાક નગરજનોએ નારાજગી વ્યક્ત કરી હતી. તેમ છતાં સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ભક્તિમય વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

સવારે ભગવાન શ્રી જગન્નાથજીની મૂર્તિને મુવાડા રામજી મંદિરમાંથી ઢોલ-નગારાં, શરણાઈ અને ભજન-કીર્તન સાથે ભવ્ય શોભાયાત્રા દ્વારા શ્રી રણછોડરાય મંદિરે લાવવામાં આવી હતી. ભગવાનના આગમન સમયે ભક્તોએ પુષ્પવર્ષા કરી જયઘોષ કર્યો હતો.

શ્રી રણછોડરાય મંદિરે ભગવાન શ્રી જગન્નાથજીની વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા, મહાઆરતી અને થાળ વિધિ સંપન્ન કરવામાં આવી હતી.

આ પવિત્ર વિધિમાં મતનભાઈ કટારા, રોહિતભાઈ પરમાર અને રૂપેશભાઈ શાસ્ત્રી દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડો. હેમંતભાઈ શાહ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં ભાવિકોએ ભગવાનના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.

રથયાત્રા પ્રસ્થાન પૂર્વે દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર, ઝાલોદના ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા અને ડો. હેમંતભાઈ શાહે ભગવાન શ્રી જગન્નાથજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.

ત્યારબાદ પરંપરા મુજબ ચાંદીના ઝાડુ વડે ભગવાનના રથનો માર્ગ સ્વચ્છ કરી પહીંદ વિધિ સંપન્ન કરવામાં આવી હતી. બાદમાં મહાનુભાવોએ ભગવાનનો રથ ખેંચી ધર્મયાત્રામાં સહભાગી બની ધર્મ, સેવા અને સમરસતાનો સંદેશ આપ્યો હતો.

ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા શ્રી રણછોડરાય મંદિરથી પ્રસ્થાન કરી મુવાડા રામજી મંદિર, ભીલ રાજા ઝાલા વાસૈયા ચોક, સરદાર પટેલ ચોક, આંબેડકર ચોક, ડબગર વાસ, રામદ્વારા મંદિર, ગીતા મંદિર, સ્વર્ણિમ સર્કલ, કોલીવાડા, મીઠાચોક, રામસાગર તળાવ, સોમનાથ મહાદેવ મંદિર, લુહારવાડા, શહીદ રાજેશ ચોક, ભરત ટાવર, બસ સ્ટેશન થઈ વિશ્વકર્મા મંદિર ખાતે સમાપન પામી હતી. માર્ગમાં આવેલા વિવિધ મંદિરોમાં મહંતો દ્વારા ભગવાનની વિશેષ પૂજા-આરતી, પુષ્પવર્ષા અને સ્વાગત કરવામાં આવ્યું હતું.

રથયાત્રા ગીતા મંદિર ખાતે પહોંચતા ભગવાન શ્રી જગન્નાથજીની પરંપરાગત મોમેરા વિધિ ભવ્ય રીતે યોજાઈ હતી. પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા દ્વારા સતત ચોથા વર્ષે ભગવાન શ્રી જગન્નાથજીનું મામેરું ભરવાની પવિત્ર પરંપરા નિભાવવામાં આવી હતી. ભગવાનને વસ્ત્રો, શ્રૃંગાર સામગ્રી અને ભેટ અર્પણ કરી સમગ્ર સમાજના સુખ-સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

ગીતા મંદિર ખાતે રામભક્ત મિત્ર મંડળ દ્વારા દ ર વર્ષની જેમ આ વર્ષે પણ હજારો ભાવિકો માટે વિશાળ મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

મંડળના સેવાભાવી યુવાનો છેલ્લા ઘણા દિવસોથી રસોઈ, પીવાના પાણી, બેઠક વ્યવસ્થા, સ્વચ્છતા અને સેવા કાર્યમાં જોડાયેલા રહ્યા હતા. ભગવાનની સેવા એટલે માનવસેવા એ ભાવનાથી દરેક ભાવિકને પ્રેમપૂર્વક મહાપ્રસાદ પીરસવામાં આવ્યો હતો.

વર્ષોથી રથયાત્રા દરમિયાન રામભક્ત મિત્ર મંડળ દ્વારા નિ:સ્વાર્થ સેવા અને ભોજન પ્રસાદીની પરંપરા જાળવવામાં આવી રહી છે, જે આજે ઝાલોદની રથયાત્રાની એક આગવી ઓળખ બની ગઈ છે.

આ વર્ષની રથયાત્રાનું મુખ્ય આકર્ષણ ઝાલોદ નગરની પુત્રવધૂ તથા પોપટસિંહ સીસોદિયાના ધર્મપત્ની સાથે સંકળાયેલા તલવારબાજી ગ્રુપનું રહ્યું હતું. પાંચ વર્ષના બાળકથી લઈને ૩૫ વર્ષ સુધીના અંદાજે ૩૫ જેટલા મહિલા અને પુરુષ કલાકારોએ શૌર્ય, તાલમેલ અને પરંપરાગત યુદ્ધકલાના અદ્ભુત કરતબો રજૂ કરી હજારો દર્શકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા.

રથયાત્રામાં આદિવાસી સમાજના કલાકારોએ પરંપરાગત વેશભૂષામાં ઢોલના તાલે મનમોહક લોકનૃત્યો રજૂ કરી સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. રંગબેરંગી પહેરવેશ, પરંપરાગત સંગીત અને ઉત્સાહભેર રજૂ થયેલા આ લોકનૃત્યે ઝાલોદની સાંસ્કૃતિક વિરાસતની સુંદર ઝલક રજૂ કરી હતી. આ ઉપરાંત ચાર ઘોડેસવારો ભગવાનના રથની આગળ પરંપરાગત શૌર્યના પ્રતિકરૂપે ચાલતા રહ્યા હતા, જે ભાવિકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

સમગ્ર રથયાત્રા દરમિયાન ઝાલોદ નગરપાલિકા દ્વારા માર્ગોની સફાઈ, પીવાના પાણી, બેરિકેડિંગ, સ્વચ્છતા અને અન્ય જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. જેના કારણે સમગ્ર કાર્યક્રમ સુવ્યવસ્થિત રીતે પાર પડ્યો હતો.

રથયાત્રા દરમિયાન ઝાલોદ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક ધીરજ પટેલના માર્ગદર્શન હેઠળ તથા પી.આઈ. રવિ ગામીતની આગેવાનીમાં વિશાળ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ડ્રોન કેમેરા, બોડીવોર્ન કેમેરા, ટ્રાફિક વ્યવસ્થા, સતત પેટ્રોલિંગ અને ભીડ નિયંત્રણ સહિત સુરક્ષાની તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહી હતી અને કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.

સાંજે વિશ્વકર્મા મંદિર ખાતે ભગવાન શ્રી જગન્નાથજીની મહાઆરતી બાદ રથયાત્રાનું વિધિવત સમાપન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હજારો ભાવિકો માટે વિશાળ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો.

ભગવાન શ્રી જગન્નાથજીની નવમી ભવ્ય રથયાત્રાએ ઝાલોદમાં ધર્મ, સંસ્કૃતિ, સેવા, સમરસતા અને સામાજિક એકતાનો અનોખો સંદેશ આપ્યો હતો. સનાતન હિન્દુ ઉત્સવ સમિતિ, રામભક્ત મિત્ર મંડળ, વિવિધ સમાજો, સેવાભાવી સંસ્થાઓ, નગરપાલિકા, પોલીસ તંત્ર અને હજારો સ્વયંસેવકોના સહયોગથી આ ભવ્ય ધાર્મિક મહોત્સવ ઐતિહાસિક અને યાદગાર બન્યો.

“જય જગન્નાથ”ના ગગનભેદી નાદ સાથે સમગ્ર ઝાલોદ નગર ભક્તિરસમાં તરબોળ બની ગયું અને ભગવાન શ્રી જગન્નાથજીના આશીર્વાદ સાથે નવમી ભવ્ય રથયાત્રા સફળતાપૂર્વક સંપન્ન થઈ. મોટાભાગના વેપારીઓએ સ્વૈચ્છિક રીતે પોતાના ધંધા-રોજગાર બંધ રાખી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાને સમર્થન આપ્યું હતું.