જસદણમાં પિતા અને અઢી વર્ષની પુત્રીના મૃતદેહ મળતા ચકચાર, પોલીસ તપાસ શરૂ

રાજકોટ જિલ્લાના જસદણ શહેરમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. શહેરની ગેબનશા સોસાયટીમાં આવેલા એક મકાનની ઉપરની માળે પાણીની ટાંકીમાંથી એક વ્યક્તિ અને તેની અઢી વર્ષની પુત્રીના મૃતદેહ મળી આવતા વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

મળતી માહિતી મુજબ, ૩૦ વર્ષીય ફિયાઝ પરીયાણી અને તેમની પુત્રી નૂર ફાતેમા સવારથી પરિવારજનોને જાવા મળ્યા ન હતા. પરિવાર દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવતા મકાનના ટેરેસ પર આવેલી પાણીની ટાંકીમાંથી બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જસદણ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.

પરિવારજનોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયથી પતિ-પત્ની વચ્ચે પારિવારિક મતભેદો ચાલી રહ્યા હતા. આ મુદ્દે ચર્ચા અને સમાધાનના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા હતા. જોકે, ઘટનાના ચોક્કસ કારણો અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

પોલીસના જણાવ્યા મુજબ, પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને તમામ સંભવિત પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ આગળ વધારવામાં આવી રહી છે. ઘટનાની હકીકત જાણવા માટે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અને ફોરેન્સીક તપાસ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

આ દુઃખદ ઘટનાએ સમગ્ર જસદણ શહેરને હચમચાવી દીધું છે. પરિવારજનો અને સ્થાનિકોમાં ભારે શોકની લાગણી વ્યાપી છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાના કારણો અંગે વધુ સ્પષ્ટતા થઈ શકશે.