પંચમહાલ જીલ્લાના જાંબુઘોડા સ્થિત પી.એમ. ગુજરાત તાલુકા શાળામાં નવા ઓરડાઓનું લોકાર્પણ અને તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન-૨૦૨૬ યોજાયું. કાર્યક્રમમાં ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર, જીલ્લા ભાજપ પ્રમુખ મયંકકુમાર દેસાઈ અને જીલ્લા પંચાયત પ્રમુખ નીરજભાઈ પટેલ હાજર રહ્યા હતા.જાંબુઘોડા તાલુકા પંચાયતનાં પ્રમુખ રેશ્માબેન બારિયા, મહિલા અને બાળ વિકાસ પંચમહાલનાં ચેરમેન કવિતાબેન બારિયા, જાંબુઘોડાના સરપંચ જીતકુમાર દેસાઈ, પદાધિકારીઓ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
વિદ્યાર્થીઓને સારી શૈક્ષણિક સુવિધા મળે તે માટે તૈયાર કરાયેલા નવા વર્ગખંડોનું મહાનુભાવોના હસ્તે લોકાર્પણ કરાયું હતું. જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગરની પ્રેરણા અને જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પંચમહાલના માર્ગદર્શન હેઠળ પ્રદર્શન યોજાયું હતું. તાલુકા પંચાયતની શિક્ષણ શાખા અને બ્લોક રિસોર્સ સેન્ટર, જાંબુઘોડાએ તેનું આયોજન કર્યું હતું.
આ વર્ષના પ્રદર્શનનો વિષય ટકાઉ અને વિકસિત ભારત માટે વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશન હતો. વિદ્યાર્થીઓએ વિજ્ઞાન અને ટેકનોલોજી આધારિત કૃતિઓ રજૂ કરી હતી. રેશ્માબેન બારિયા અને કવિતાબેન બારિયાએ પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું.
મહાનુભાવોએ વિદ્યાર્થીઓની કૃતિઓ નિહાળી હતી અને તેમને વિજ્ઞાન ક્ષેત્રે આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમનું આયોજન પી.એમ. ગુજરાત તાલુકા શાળા જાંબુઘોડાના એસ.એમ.સી. પરિવાર, શિક્ષકો અને આયોજકોએ સાથે મળીને કર્યું હતું.