
નિયમભંગના ગંભીર આક્ષેપો વચ્ચે GPCBનો મોટો નિર્ણય, ક્લોઝર ડાયરેકશન જારી; જોખમી કચરો સ્વીકારવા પર પણ પ્રતિબંધ
મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના જામિયતપુરા ગામે આવેલ મૌર્યા એન્વાયરો પ્રોજેક્ટ પ્રા. લિ. (TSDF) સામે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)એ પર્યાવરણ સંબંધિત ગંભીર અનિયમિતતાઓને ધ્યાનમાં રાખીને કડક કાર્યવાહી હાથ ધરી છે. પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ-1986ની કલમ-5 હેઠળ GPCBના સભ્ય સચિવ દ્વારા કંપનીને તાત્કાલિક અસરથી પ્લાન્ટ બંધ કરવાનો તેમજ સિંગલ ફેઝ સિવાયનો વીજ પુરવઠો કાપી નાખવાનો ક્લોઝર આદેશ જાહેર કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર GPCB દ્વારા 26 મે, 16 જૂન, 24 જૂન, 10 જુલાઈ અને 19 જુલાઈ, 2026ના રોજ કરવામાં આવેલી તપાસ દરમિયાન પ્લાન્ટમાં અનેક ગંભીર ખામીઓ સામે આવી હતી. તપાસ દરમિયાન દૂષિત રંગીન પાણી, ભૂગર્ભ જળમાં પ્રદૂષણના સંકેતો, બંધ હાલતમાં રહેલું ETP, દૂષિત વરસાદી પાણીના અયોગ્ય નિકાલની વ્યવસ્થા, લીચેટનું યોગ્ય સંચાલન ન થવું, પ્રદૂષિત પાણીના ખાબોચિયા, તૂટેલા મોનસૂન શેડ, નબળી હાઉસકીપિંગ તેમજ જરૂરી દસ્તાવેજોની ગેરહાજરી જેવી ગંભીર બાબતો નોંધાઈ હતી.
GPCBના અહેવાલ મુજબ પ્લાન્ટની આસપાસ આવેલા ખુલ્લા કૂવાઓ અને પાણીના નમૂનાઓમાં COD, BOD, અમોનિકલ નાઇટ્રોજન, ફેનોલિક સંયોજનો અને TDSનું પ્રમાણ મંજૂર મર્યાદા કરતાં વધુ નોંધાયું હતું. કેટલાક સ્થળોએ પાણીનો રંગ લાલાશ પડતો ભૂરો, પીળાશ તથા ભૂરાશ જોવા મળતાં ભૂગર્ભ જળ પ્રદૂષિત થવાની ગંભીર આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
તપાસ દરમિયાન કંપની દ્વારા મંજૂર ક્ષમતા કરતાં વધુ જોખમી કચરો સ્વીકારવામાં આવ્યો હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉપરાંત અગાઉ આપવામાં આવેલી અનેક સૂચનાઓ છતાં દૂષિત વરસાદી પાણી રોકવા, ETP નિયમિત કાર્યરત રાખવા તથા જોખમી કચરાના વૈજ્ઞાનિક નિકાલ અંગે યોગ્ય પાલન કરવામાં આવ્યું ન હોવાનું GPCBએ નોંધ્યું છે.
આ સમગ્ર મામલે GPCBએ કંપનીને તાત્કાલિક અસરથી જોખમી કચરો સ્વીકારવાનું બંધ કરવા, પ્લાન્ટ બંધ રાખવા, દૂષિત માટી અને પ્રદૂષિત પાણીનું વૈજ્ઞાનિક ધોરણે નિરાકરણ લાવવા, ETP સંપૂર્ણ કાર્યરત કરવાની, વરસાદી પાણીની યોગ્ય વ્યવસ્થા ઉભી કરવાની, ₹50 લાખની બેંક ગેરંટી જમા કરાવવાની તેમજ પર્યાવરણીય નુકસાન વળતર (Environmental Damage Compensation) ચૂકવવા સહિતના કડક આદેશો કર્યા છે.
સાથે જ મધ્ય ગુજરાત વીજ કંપની (MGVCL)ને પણ પ્લાન્ટનો સિંગલ ફેઝ સિવાયનો વીજ પુરવઠો તાત્કાલિક અસરથી બંધ કરવાની સૂચના આપવામાં આવી છે.
આ કાર્યવાહી બાદ જામિયતપુરા સહિત સમગ્ર બાલાસિનોર પંથકમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. લાંબા સમયથી પ્રદૂષણના મુદ્દે અવાજ ઉઠાવતા ગ્રામજનોમાં રાહત અને સંતોષની લાગણી જોવા મળી રહી છે. સ્થાનિકોનું માનવું છે કે સતત રજૂઆતો, વિરોધ અને લોકજાગૃતિના પરિણામે આખરે તંત્રએ કડક કાર્યવાહી કરવાની ફરજ પડી છે. તેમના મતે આ નિર્ણય માત્ર એક ઔપચારિક કાર્યવાહી નહીં, પરંતુ પર્યાવરણના સંરક્ષણ અને આવનારી પેઢીના સ્વાસ્થ્યની સુરક્ષા તરફનું મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે.
“સતત જનઆંદોલન બાદ આખરે તંત્ર હરકતમાં”
જામિયતપુરા ડમ્પિંગ સાઇટ મુદ્દે છેલ્લા ઘણા સમયથી સ્થાનિક ગ્રામજનો દ્વારા રજૂઆતો, વિરોધ કાર્યક્રમો અને વિવિધ સ્તરે રજુઆત કરવામાં આવી રહી હતી. હવે GPCB દ્વારા પ્લાન્ટ બંધ કરવાનો આદેશ જાહેર થતાં.બાલાસિનોર તાલુકામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને તેઓ આ નિર્ણયને લોકશક્તિની જીત તરીકે જોઈ રહ્યા છે.