
સોના અને ચાંદીમાં તેજી અટકવાનું નામ નથી લેતી. સોનાના ભાવમાં આજે 16,000 રૂપિયાનો ઉછાળો આવ્યો છે, જ્યારે ચાંદી 21,000 રૂપિયા વધીને 4 લાખ રૂપિયાને પાર પહોંચી ગઈ છે.
એક તરફ, શેરબજારમાં ઘટાડો અટકતો નથી અને બીજી તરફ, સોના-ચાંદીમાં તોફાની તેજી ચાલુ છે. અત્યારસુધી સોનું માત્ર 3 હજારથી 5,000 રૂપિયા વધતું હતું, પરંતુ આજે સોનાએ રેકોર્ડ તેજી બતાવી છે. મલ્ટી કોમોડિટી માર્કેટમાં સોનું આશરે 16,000 રૂપિયા વધી ગયું છે, જ્યારે ચાંદીમાં પ્રતિ કિલો 20 હજાર રૂપિયાની તેજી આવી છે અને તેણે 4 લાખ રૂપિયાનો સ્તર પાર કરી લીધું છે. પહેલીવાર ચાંદીની કિંમત 4 લાખ રૂપિયાને પાર પહોંચી છે.
માર્ચ વાયદા માટે MCX પર ગુરુવારે ચાંદીનો ભાવ 21,276 રૂપિયા વધીને 4,06,642 રૂપિયા હતો, જે એનું ઓલટાઇમ હાઇ લેવલ છે. એવી જ રીતે 2 એપ્રિલ વાયદા માટે સોનું 15,900 રૂપિયા વધીને 1,93,096 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું. આટલી મોટી તેજીને જોતાં એક્સપર્ટ્સ રોકાણકારોને સાવચેત રહેવાની સલાહ આપી રહ્યા છે. સોના-ચાંદીમાં આવેલી આટલી મોટી તેજી પાછળ કયાં કારણો છે..? ચાલો જાણીએ…
અઠવાડિયામાં કેટલું વધ્યું સોનું-ચાંદી? MCX પર 21 જાન્યુઆરીએ ચાંદીનો ભાવ 3.18 લાખ રૂપિયા પર હતો, જે હવે 88 હજાર રૂપિયા વધીને 4.05 લાખને પાર પહોંચી ગયો છે, જ્યારે સોનું 21 જાન્યુઆરીએ 1.60 લાખ રૂપિયા પર હતું, જે હવે 33 હજાર રૂપિયા વધીને 1.93 લાખ રૂપિયા પર પહોંચી ગયું છે.
દેશનાં મોટાં શહેરોમાં સોનાના ભાવ
| શહેર | 10 ગ્રામ 24 કેરેટ |
| દિલ્હી | ₹1,69,085 |
| મુંબઈ | ₹1,69,065 |
| કોલકાતા | ₹1,69,880 |
| ચેન્નઈ | ₹1,70,800 |
| જયપુર | ₹1,69,565 |
| ભોપાલ | ₹1,69,650 |
| પટના | ₹1,69,630 |
| લખનઉ | ₹1,69,630 |
| રાયપુર | ₹1,70,630 |
| અમદાવાદ | ₹1,70,735 |
કેમ આવી સોના-ચાંદીમાં આટલી મોટી તેજી?
- વધતા જતા ભૌગોલિક રાજકીય તણાવ વચ્ચે સતત સુરક્ષિત-સંરક્ષિત માગથી સોના અને ચાંદીમાં તેજીને સપોર્ટ મળી રહ્યો છે.
- યુએસ ફેડરલ રિઝર્વ બેંકે પણ વ્યાજદરો યથાવત્ રાખવાનો નિર્ણય લીધો છે, જેના કારણે સોના-ચાંદી અને અન્ય મેટલ્સમાં તેજીને ટેકો મળ્યો છે, સાથે જ એવા સંકેત પણ મળ્યા છે કે આગળ દરોમાં વધારાની કોઈ શક્યતા નથી, જેનાથી કીમતી ધાતુઓ પ્રત્યે રોકાણકારોનો રસ વધ્યો છે.
- અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનને ચેતવણી આપી રહ્યા છે કે તેમના પરમાણુ કાર્યક્રમ પર કરાર માટે વાટાઘાટો કરવાનો સમય પૂરો થઈ રહ્યો છે, આવી સ્થિતિમાં સુરક્ષિત રોકાણની માગ વધી ગઈ છે.
- ઈન્ટરનેશનલ માર્કેટમાં સોનું અને ચાંદી પણ નવી રેકોર્ડ ઊંચાઈ પર પહોંચી ગયાં છે. હાજર સોનું આશરે 3% વધીને 5,591.61 ડોલરના રેકોર્ડ હાઈ પર પહોંચી ગયું છે. જ્યારે ચાંદી 1.3% વધીને 118.061 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ છે.
- બીજી તરફ ડોલરમાં મજબૂતી દેખાઈ રહી છે, પરંતુ રૂપિયો સતત ગગડી રહ્યો છે. આજે ડોલર સામે રૂપિયો તેના નવા રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયો અને 92 રૂપિયાના સ્તરને પાર કરી ગયો.
હવે રોકાણકારોએ શું કરવું જોઈએ? એક્સપર્ટ્સનું કહેવું છે કે યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજદરો યથાવત્ રાખ્યા છે અને આગળ દરોમાં વધારાની કોઈ શક્યતા ન હોવાનો સંકેત આપ્યો છે, જે કીમતી ધાતુના ભાવોમાં તેજીને સપોર્ટ કરે છે. તેમનું કહેવું છે કે સોના અને ચાંદીમાં ભારે અસ્થિરતા જોવા મળી રહી છે, પરંતુ ચાંદીને 98 ડોલર અને સોનાને 5000 ડોલર પર સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે.
એક્સપર્ટ્સે એ પણ જણાવ્યું હતું કે એવી અપેક્ષા છે કે અમેરિકી બેરોજગાર દાવાઓના આંકડા અને ચાલી રહેલા ભૌગોલિક રાજકીય તણાવ પહેલાં ડોલર ઇન્ડેક્સમાં ઉતાર-ચઢાવ વચ્ચે સોના અને ચાંદીમાં અસ્થિરતા જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં રોકાણકારોએ સાવધ રહેવાની જરૂર છે અને અત્યારે નવા રોકાણથી બચવું જોઈએ.
સોનું ખરીદતી વખતે આ 2 બાબતનું ધ્યાન રાખો
1. સર્ટિફાઇડ ગોલ્ડ જ ખરીદો: હંમેશાં બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS)નો હોલમાર્ક લગાવેલું સર્ટિફાઇડ ગોલ્ડ જ ખરીદો. આ નંબર આલ્ફાન્યૂમેરિક એટલે કે આ રીતે હોઈ શકે છે- AZ4524. હોલમાર્કિંગથી ખબર પડે છે કે સોનું કેટલા કેરેટનું છે.
2. કિંમત ક્રોસ ચેક કરો: સોનાનું સાચું વજન અને ખરીદવાના દિવસે એની કિંમત ઘણા સ્રોતો (જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનની વેબસાઇટ) પરથી ક્રોસ ચેક કરો. સોનાનો ભાવ 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટના હિસાબે અલગ-અલગ હોય છે.