ગોધરા ધી ઈકબાલ યુનિયન હાઈસ્કુલ ખાતે પોલીસ દ્વારા વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજયો

ગોધરાની ધી ઈકબાલ યુનિયન હાઈસ્કૂલ ખાતે પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ તથા શાળાના સ્ટાફ માટે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રજાની રક્ષા અને સુરક્ષા માટે પોલીસ તંત્ર દ્વારા ઉપયોગમાં લેવાતા વિવિધ શસ્ત્રો તથા સુરક્ષા સાધનોનું નિદર્શન કરવામાં આવ્યું હતું. દેશની સરહદ પર આપણા જવાનો દેશની રક્ષા માટે ખડેપગે ફરજ બજાવે છે, જ્યારે દેશની આંતરિક સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવી પ્રજાની સલામતી સુનિશ્ચિત કરવાની જવાબદારી પોલીસ તંત્ર નિભાવે છે. આ દરમિયાન પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ શસ્ત્રોની ઓળખ, તેમની કામગીરી તેમજ કયા પ્રકારની પરિસ્થિતિમાં સુરક્ષા સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે તે અંગે જ‚રી માહિતી અને સમજ આપવામાં આવી હતી.

વિદ્યાર્થીઓએ પણ પોલીસ દ્વારા ઉપયોગમાં લેવાતા શસ્ત્રો અને સાધનોને નજીકથી નિહાળ્યા હતા અને પોલીસની કામગીરી અંગે ઉત્સુકતાપૂર્વક માહિતી મેળવી હતી.આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય સાદિક શેખ તથા શાળાના સ્ટાફનો પણ સહયોગ રહ્યો હતો.

કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં સુરક્ષા અંગે જાગૃતિ કેળવવા, પોલીસની કામગીરીને સમજાવવા તથા પોલીસ અને સમાજ વચ્ચેનો સંવાદ વધુ મજબૂત બનાવવાનો હતો. પોલીસ પરિવારના આ પ્રયાસથી વિદ્યાર્થીઓને પોલીસ તંત્રની કામગીરીને નજીકથી સમજવાની સાથે સુરક્ષા વ્યવસ્થા અંગે મહત્વપૂર્ણ જાણકારી પ્રાપ્ત થઈ હતી