ગોધરા પાલિકાના વોર્ડ નં.-૭ ભીલોડિયા પ્લોટમાં ૬ માસથી ખાડો અધુરો રહેતા પાલિકા સામે હોબાળો

ગોધરા નગરપાલિકાના વોર્ડ નં.-૭માં આવેલા ભીલોડિયા પ્લોટ વિસ્તારમાં પાલિકાની બેદરકારી સામે આવી છે. ઈસ્માઈલ મસ્જિદ નજીકના મુખ્ય માર્ગ પર પાલિકા દ્વારા ૬ મહિના અગાઉ ગટરની લાઈનના નિકાલ અર્થે ઉંડો ખાડો ખોદવામાં આવ્યો હતો. જોકે આ કામગીરી અધુરી છોડી દેવાતા સ્થાનિક રહિશો માટે આ ખાડો ભારે માથાનો દુ:ખાવો સમાન બની ગયો છે. જેને લઈને આજે હોબાળો મચ્યો હતો.

ગોધરાના ભીલોડિયા પ્લોટ ખાતે આ મુખ્ય માર્ગ પરથી શાળાએ જતા બાળકો, ધાર્મિક સ્થળોએ જતાં લોકો તેમજ નાના-મોટા વેપારીઓની સતત અવર જવર રહે છે. રાત્રિના સમયે અંધારાના કારણે વારંવાર વાહનો આ ખાડામાં ખાબકવાના બનાવો બની રહ્યા છે. આ ઉપરાંત ખાડામાં ગટરના પાણી અને પીવાના પાણીની મુખ્ય સપ્લાય લાઈનનુ મિશ્રણ થઈ જતાં વિસ્તારમાં દુષિત પાણી આવી રહ્યુ છે. આરોગ્ય સામે જોખમ ઉભું થતાં અને પાલિકામાં અનેક રજુઆતો છતાં કોઈ ઉકેલ ન આવતા કંટાળેલા સ્થાનિકોએ એકઠાં થઈને પાલિકા વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી હોબાળો મચાવ્યો હતો.