ઝાલોદ-લીમડીમાં ચાર મોટા પ્રોજેકટો સામે ખેડુતોનો વિરોધ : જમીન બચાવવા આંદોલનનો ધમધમાટ

દાહોદ જિલ્લાના ઝાલોદ અને ગોવિંદ ગુ‚ લીમડી તાલુકામાં સરકારના ચાર મહત્વકાંક્ષી પ્રોજેકટોને લઈને આદિવાસી ખેડુતોનો વિરોધ સતત ઉગ્ર બની રહ્યો છે. ખેતીની ઉપજાઉ જમીન ગુમાવવાનો ભય અને પુરતા વળતરના મુદ્દે ખેડુતો આરપારની લડતના મુડમાં જોવા મળી રહ્યા છે.

દાહોદ જિલ્લાના ઝાલોદ અને ગોવિંદ ગુ‚ લીમડી તાલુકામાં કોરિડોર હાઈવે, ડોમેસ્ટિક એરપોર્ટ, જીઆઈડીસી તથા ૩૮૦ કિ.મી.લાંબી દાહોદ-બાંસવાડા રેલ્વે લાઈન જેવા ચાર મોટા સરકારી પ્રોજેકટોને લઈને આદિવાસી ખેડુતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ઉપજાઉ ખેતીની જમીનો સંપાદિત થવાના કારણે ખેડુતો વિવિધ સ્થળોએ પ્રદર્શન કરી રહ્યા છે. જેના પગલે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સતત સતર્ક બન્યા છે. કોરિડોર હાઈવે અને ડોમેસ્ટિક એરપોર્ટનો મુદ્દો હાલમાં હાઈકોર્ટમાં વિચારાધિન છે. ખેડુતોનો આક્ષેપ છે કે, અસરગ્રસ્તોને હજુ સુધી પુરતુ વળતર ચુકવાયુ નથી. તેમ છતાં તંત્ર દ્વારા ડોમેસ્ટિક એરપોર્ટનુ ડિમાર્કેશન પુર્ણ કરવામાં આવ્યુ છે. જયારે કોરિડોર હાઈવેનુ કામ પણ અંદાજે ૮૦ થી ૯૦ ટકા સુધી પુર્ણ થઈ ચુકયુ હોવાનુ જાણવા મળે છે. બીજી તરફ કચલધરા અને છાયણ ગામોમાં જીઆઈડીસીના સર્વે સામે ખેડુતોના ઉગ્ર વિરોધ દરમિયાન પોલીસ ફરિયાદો નોંધવાની નોબત આવી હતી. હવછે ઝાલોદના થેરકા વિસ્તારમાં દાહોદ-બાંસવાડા રેલ્વે લાઈનના ભોૈગોલિક સર્વે સામે પણ ખેડુતો વિરોધ નોંધાવી રહ્યા છે. અગાઉ પણ કોરિડોર, એરપોર્ટ અને જીઆઈડીસી મુદ્દે અનેક આવેદનપત્રો અને આંદોલનો થયા હતા. હવે રેલ્વે અને જીઆઈડીસીને લઈને નવા વિરોધ ઉભા થતાં સમગ્ર વિસ્તારમાં માહોલ ગરમાયો છે. ખેડુતોનુ કહેવુ છે કે, જમીન અને જંગલ બચાવવા તેઓ અંતિમ શ્ર્વાસ સુધી લડત ચાલુ રાખશે. જેના કારણે આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનવાની શકયતાઓ સેવાઈ રહી છે.