બાલાસિનોર નગરમાં અંબે માતાના મંદિરથી કોર્ટ સુધીનો મુખ્ય માર્ગ સતત વાહનોની ભારે અવર જવરથી ધમધમતો રહે છે. આ વ્યસ્ત સ્ટેટ ટ્રાફિક રોડ પર જ મોના વિદ્યામંદિર પ્રા.શાળા આવેલી છે. જયાં ધો.-૧ થી ૮ ના આશરે ૫૬૫ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સ્પીડબ્રેકર ન હોવાથી શાળામાં આવતા-જતા વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને વાલીઓ સતત ચિંતાતુર રહે છે. અગાઉ પણ નાના-મોટા અકસ્માતો સર્જાયો છે. જેના કારણે વાલીઓ અને શિક્ષકો દ્વારા શાળા પાસે તાત્કાલિક ધોરણે સ્પીડબ્રેકર બનાવવાની તંત્ર સામે ઉગ્ર માંગ કરી છે. આ ઉપરાંત શાળાને બિલકુલ અડીને જ વીજળીનુ ટ્રાન્સ્ફોર્મર આવેલ હોવાથી પણ કોઈ મોટી દુર્ધટના કે જાનહાનિ થવાનો ભય સેવાઈ રહ્યો છે. સાથો સાથ શાળા નજીક આવેલી ગટર લાઈન પણ વારંવાર ઉભરાતી અને દુર્ગંધ મારતી હોવાથી બાળકોમાં રોગચાળો ફેલાવવાની દહેશત સેવાઈ રહી છે. જેથી તંત્ર દ્વારા આ બાબતે તાકિદે યોગ્ય પગલા લેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.