ગંગા દશમી નિમિત્તે પંચકૃષ્ણ ધામ ખાતે ગંગા પૂજન અને સ્વચ્છતા અભિયાન

સનાતન હિન્દુ સંસ્કૃતિમાં પ્રકૃતિ પૂજનના વૈભવને જીવંત રાખતો અનોખો ઉપક્રમ.

આજે ગંગા દશમીના પાવન અવસરે ઝાલોદ એકલ ગ્રામોત્થાન ફાઉન્ડેશન દ્વારા પવિત્ર ગંગા નદી સમાન માનવામાં આવતી માછન નદીનું વૈદિક વિધિ સાથે પૂજન કરવામાં આવ્યું હતું. સાથે જ પ્રાચીન અને ઐતિહાસિક પંચકૃષ્ણ ધામ મંદિરના કિનારાની સફાઈ કરી સ્વચ્છતા અને સંસ્કૃતિનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો.

સનાતન હિન્દુ પરંપરા અનુસાર ચૈત્ર શુક્લ દશમીના દિવસે રાજા ભગીરથની કઠોર તપસ્યાથી માતા ગંગા સ્વર્ગમાંથી પૃથ્વી પર અવતર્યા હતા. ગંગાના અવતરણને માનવજાતિના કલ્યાણ અને પાપોથી મુક્તિના પ્રતિક તરીકે જોવામાં આવે છે. ગંગા દશમીનો આ પવિત્ર ઉત્સવ ભારતીય સંસ્કૃતિમાં નદીઓ, વૃક્ષો, પર્વતો અને પ્રકૃતિના દરેક તત્વ પ્રત્યે આદર અને આરાધનાની ભાવનાને ઉજાગર કરે છે.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સભ્યોએ જણાવ્યું હતું કે, સનાતન હિન્દુ સંસ્કૃતિ માત્ર ધાર્મિક માન્યતાઓ પૂરતી સીમિત નથી, પરંતુ પ્રકૃતિ સાથેનું સહઅસ્તિત્વ, પર્યાવરણ સંરક્ષણ અને માનવ કલ્યાણનો જીવનમાર્ગ દર્શાવે છે. નદીઓને માતા સ્વ‚પે પૂજવાની પરંપરા ભારતીય સંસ્કૃતિના વૈભવ અને આધ્યાત્મિક ઊંડાણનું પ્રતિક છે.

આ પ્રસંગે IVD ના વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહભેર ભાગ લઈ નદી કિનારાની સફાઈ કરી પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમમાં એકલ ગ્રામોત્થાન વિભાગના સભ્ય પિનલબેન પંચાલ, મનીષભાઈ પંચાલ, મુકેશભાઈ નિસારતા, શંકરભાઈ નિનામા, સમુભાઈ કટારા, શિવરાજભાઈ વસૈયા, સુરેખાબેન કટરા તેમજ IVD ના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગંગા દશમી જેવા પવિત્ર તહેવારો દ્વારા ભારતીય સંસ્કૃતિના આધ્યાત્મિક વૈભવ સાથે પ્રકૃતિ સંરક્ષણનો સંદેશ સમાજ સુધી પહોંચે છે, ત્યારે આવા કાર્યક્રમો યુવા પેઢીમાં સંસ્કાર અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીની ભાવના મજબૂત બનાવે છે.