
શહેરમાં ચંડોળા તળાવ, ઇસનપુર તળાવ બાદ હવે સરદારનગર વોર્ડમાં આવેલા કમળ તળાવ પરથી દબાણો હટાવવાની કામગીરી ચાલી રહી છે. શહેરના ઉત્તર ઝોનના સરદાર નગર વોર્ડમાં આવેલા કમલ તળાવ પર ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવી રહ્યું છે. કમળ તળાવ પર અંદાજિત ૧૫૦થી વધુ મકાન ગેરકાયદેસર બનાવવામાં આવ્યા હતા. જે તમામ દબાણો દૂર કરવા માટે છસ્ઝ્ર અને પોલીસની મદદથી કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે, ત્યાંના રહીશોમાં ભારે આક્રોશ છવાયો છે.
નગરપાલિકા હસ્તકના તળાવ પરથી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત શહેરના ચંડોળા, ઇસનપુર તળાવ પરથી પણ ગેરકાયદેસર બાંધકામ દૂર કરીને જમીન ખાલી કરવામાં આવી હતી. ત્યારે આજે સવારથી છસ્ઝ્ર અને પોલીસની ટીમોને સાથે રાખીને કમળ તળાવ જેને તલાવડીના નામે પણ ઓળખવામાં આવે છે ત્યાં પણ વોટરબોડીની આસપાસના ગેરકાયદેસર મકાનો તોડવામાં આવી રહ્યા છે.
નોંધનીય છે કે, સોમવારે શહેરના થલતેજ વોર્ડમાં આવેલી સ્નેહાંજલિ સોસાયટીનો વિવાદ વધુ વકર્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સોસાયટીના રહીશોને ડિમોલિશનની નોટિસ આપવામાં આવતા સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. કોર્પોરેશને સોસાયટીના તમામ ૨૫ પરિવારોને ૧૬મી ડિસેમ્બર સુધીમાં ડિમોલિશન કાર્યવાહી કરવા માટે નોટિસ આપી છે, જેના કારણે ૩૫ વર્ષથી રહેતા પરિવારો સામે રહેઠાણનું સંકટ ઊભું થયું છે. સોમવારે જ્યારે વોર્ડના ભાજપના કોર્પોરેટર સમીર પટેલ સોસાયટી ખાતે પહોંચ્યા, ત્યારે સ્થાનિકોએ તેમનો ઉગ્ર વિરોધ કર્યો હતો. સ્થાનિકોએ ’હાય રે ભાજપ હાય હાય’ના સૂત્રોચ્ચાર કરીને કોર્પોરેટરને ઘેરી લીધા હતા, જેને કારણે કોર્પોરેટરને પોતાની ગાડીમાં બેસીને તાત્કાલિક સ્થળ પરથી ભાગી જવાની ફરજ પડી હતી. થલતેજ વોર્ડમાં ૩૫ વર્ષથી આવેલી આ સોસાયટીને તંત્ર દ્વારા ગેરકાયદે જાહેર કરવામાં આવી છે.