બાલાસિનોરમાં મોટર સાયકલની ટક્કરથી નીચે પડી જતા ગલાબજીના મુવાડાના વૃદ્ઘનું મોત

એમજીવીસીએલના નિવૃત્ત કર્મચારી ઘરેથી ખરીદી કરવા માટે બાલાસિનોર આવ્યા હતા, અજાણ્યા મોટર સાયકલ ચાલક સામે ફરિયાદ.

બાલાસિનોરમાં ખરીદી કરવા માટે આવેલા ગલાબજીના મુવાડા ગામના વૃદ્ઘને અજાણ્યા મોટર સાયકલ ચાલકે ટક્કર મારતા પડી ગયા હતા. ત્યાર બાદ સાતેક દિવસની સારવાર પછી વૃદ્ઘનું મોત નિપજતા તેના પુત્રએ આ અંગે અજાણ્યા મોટર સાયકલ સામે ફરિયાદ નોંધાવી છે.

આ અંગેની મળતી વિગતો અનુસાર ગલાબજીના મુવાડા ગામના રહેવાસી અને એમજીવીસીએલના નિવૃત્ત કર્મચારી માથુરસિંહ ઉદેસિંહ પરમાર ગત તા.ર૧ના રોજ પોતાના ઘરેથી મોટર સાયકલ લઇને બાલાસિનોરમાં ખરીદી કરવા આવ્યા હતા. આ દરમિયાન અંબિકા હાર્ડવેર નામની દુકાન આગળ ઉભા હતા, ત્યારે કોઇ અજાણ્યા મોટર સાયકલ ચાલકની ટક્કરથી નીચે પડી ગયા હતા. ત્યાર બાદ જુદા જુદા દવાખાનામાં સાતેક દિવસ સારવાર લીધી હતી. ગત તા.૨૭ના રોજ લુણાવાડામાં ખાનગી હોસ્પિટલમાં પગના ઓપરેશન દરમિયાન હાર્ટએટેકથી તેમનું મોત નિપજ્યું હતું. જેના પગલે તેમના પુત્રએ અજાણ્યા મોટર સાયકલ ચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.