
નગરમાં સંપૂર્ણ સ્વયંભૂ બંધ વચ્ચે અનોખી ભક્તિ સાથે માનવ મહેરામણ ઉમટ્યું હતું
બાલાસિનોર શહેરમાં સમસ્ત હિન્દુ સમાજના સહયોગથી આયોજિત ૧૬૦મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો આજે ભક્તિમય વાતાવરણમાં પ્રારંભ થયો. રથયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા.

સવારથી જ શ્રી સ્વામિનારાયણ મંદિર અને શ્રી રણછોડજી મંદિર ખાતે મોટી સંખ્યામાં હરિભક્તો, આગેવાનો અને ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. બંને મંદિરોમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન જગન્નાથજી, ભાઈ બળભદ્રજી અને બહેન સુભદ્રાજીની વિશેષ પૂજા-અર્ચના અને મહાઆરતી કરવામાં આવી હતી.
આરતી પૂર્ણ થયા બાદ ’જય જગન્નાથ’ના ગગનભેદી નાદ સાથે રથયાત્રાનું પ્રસ્થાન થયું. સમગ્ર માર્ગ પર ભક્તોમાં ભારે ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં ભાવિકોએ પુષ્પવર્ષા, આરતી અને પ્રસાદ વિતરણ દ્વારા ભગવાનનું સ્વાગત કર્યું હતું.રથયાત્રામાં મોટી સંખ્યામાં સંતો-મહંતો, સમાજના આગેવાનો, વિવિધ હિન્દુ સંસ્થાઓના કાર્યકરો, યુવાનો, મહિલાઓ તેમજ નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા.