છોટાઉદેપુરમાં ભગવાન જગન્નાથની ૧૧મી રથયાત્રા નીકળી

ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો, ગામના લોકો વિવિધ વેશભૂષામાં જોડાયા

છોટાઉદેપુરમાં અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથની ૧૧મી રથયાત્રા નીકળી. આ પ્રસંગે શહેર ભક્તિમય બન્યું હતું. પરંપરા મુજબ, ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળ્યા હતા. આ રથયાત્રા રણછોડજી મંદિરથી શ‚ થઈ હતી.

રથયાત્રાનો પ્રારંભ પહિન્દ વિધિથી કરવામાં આવ્યો હતો. જેમાં સાંસદ જશુ રાઠવા અને કલેક્ટર ગાર્ગી જૈને ભાગ લીધો હતો. રાજ્યસભાના સાંસદ મુકેશ રાઠવા અને જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.આ યાત્રામાં ગામના લોકો વિવિધ વેશભૂષામાં જોડાયા હતા. ગોરા રામજી મંદિર અને જાગનાથ મહાદેવ મંદિરના મહંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. ગોરા રામજી મંદિરના મહંતે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું મહત્વ સમજાવ્યું હતું. છોટા ઉદેપુરના અબાલ વૃદ્ધ સૌ કોઈ આ યાત્રામાં ઉત્સાહભેર જોડાયા હતા. ભક્તોએ ભગવાન જગન્નાથની કૃપા અને લોકોના સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.