
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ઉચરપી ગામે ૮ ફૂટ લાંબો મહાકાય અજગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ મહીસાગરની ટીમે ઘટનાસ્થળે પહોંચી અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી તેને સુરક્ષિત રીતે જંગલમાં મુક્ત કર્યો હતો.
ચોમાસાની શઆત થતા વન્યજીવો માનવ વસાહત તરફ આવવાના બનાવો વધી રહ્યા છે. આવી જ એક ઘટનામાં, પર્વતભાઈ ઝાલાના ઘરના વાડામાં અચાનક આ વિશાળ અજગર જોવા મળ્યો હતો, જેના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો હતો.
ગ્રામજનો દ્વારા જાણ કરાતા, એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ મહીસાગરની ટીમ લુણાવાડાથી લગભગ ૨૦ થી ૨૫ કિલોમીટર દૂર આવેલા ઉચરપી ગામે પહોંચી હતી. રમેશ બારોટ અને વિનોદ મકવાણા સહિતની ટીમે ભારે જહેમત બાદ પતરાની નીચે છુપાયેલા અજગરને સુરક્ષિત રીતે પકડી પાડ્યો હતો.રેસ્ક્યુ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ થતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારબાદ, આ અજગરને તેના કુદરતી નિવાસસ્થાને, જંગલમાં, સુરક્ષિત રીતે છોડી દેવામાં આવ્યો હતો.સંસ્થાના સભ્ય સત્યમ જોશીએ જણાવ્યું હતું કે અજગર બિનઝેરી હોય છે અને સામાન્ય રીતે મનુષ્ય માટે જોખમી નથી. તેમણે લોકોને અફવાઓથી દૂર રહેવા, વન્યજીવોને નુકસાન ન પહોંચાડવા અને આવા સમયે વન વિભાગ અથવા જીવદયા સંસ્થાને જાણ કરવાની અપીલ કરી હતી. પ્રકૃતિના સંતુલન માટે આવા વન્યજીવોનું સંરક્ષણ અત્યંત જરી છે.