દાહોદ જિલ્લાના સંજેલી ખાતે કોટા-સંતરામપુર રોડ પર છેલ્લા કેટલાક દિવસોથી ગટરો ઉભરાતા ગંદા પાણી રોડ પર રેલાતા સમગ્ર વિસ્તારમાં ગંદકી સાથે દુર્ગંધ ફેલાઈ રહી છે. જેના કારણે સ્થાનિક રહિશો હેરાન પરેશાન થઈ ગયા છે. ા રસ્તા ઉપર બે દવાખાના પણ આવેલા છે. જયાં આવતા દર્દીઓને પણ અવર જવરમાં મુશ્કેલી પડી રહી છે.
સંજેલીના કોટાથી સંતરામપુર જવાનો રોડ લોકો માટે માથાનો દુ:ખાવો બની રહ્યો છે. આ રોડ પરથી રોજ શાળામાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ પસાર થાય છે. તે ઉપરાંત અન્ય ગ્રામજનો અને વાહનો પણ પસાર થતાં હોય છે. આ રસ્તા ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયા છે.કયાંક ખાડા મસમોટા થઈ જતાં નાના વાહનચાલકો પડી જવાના પણ બનાવો બની રહ્યા છે. ઉપરાંત રસ્તાની બાજુમાં સંજેલી પંચાયત દ્વારા ગટર લાઈન બનાવવામાં આવી છે. જે બ્લોક થઈ જતાં રસ્તા પર ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે. જેના કારણે રોગચાળાની પણ દહેશત સેવાઈ રહી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે, આ ગટરલાઈન પંચાયત દ્વારા આયોજન વિના બનાવતા સમસ્યા સર્જાઈ છે. ત્યારે વહેલી તકે આ ગટર લાઈનનો પ્રશ્ર્ન ઉકેલી રોડની મરામત કરવા માંગ કરાઈ છે.