
૧૯મી એપ્રિલના રોજ દાહોદ જીલ્લામાં છુટા છવાયા સ્થળો પર ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
પાકિસ્તાન અને રાજસ્થાનની આસપાસ એક અપર એર સર્ક્યુલેશન સક્રિય થયું છે. તેમજ ઉત્તરપ્રદેશથી મણીપુર અને બિહારથી તામિલનાડુ સુધી વિસ્તરેલા ટ્રફને કારણે હવામાન પ્રણાલી પ્રભાવિત થઈ રહી છે. ૧૫મી એપ્રિલની રાત્રી પશ્ચિમ હિમાલયના પ્રદેશોમાં એક નવું નબળું વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ સક્રિય થવાની સંભાવના હોવાથી હવામાન વિભાગે ફરી એકવાર રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરીને ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, એપ્રિલ મહિનાની શઆતથી જ ગુજરાતના હવામાન માં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટા શહેરોમાં પારો ૪૦ ડિગ્રીને પાર પહોંચતા કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. વધુમાં હવામાન વિભાગે આગામી સમયમાં ૨ થી ૩ ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી પણ કરી હતી. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે કહ્યું હતું કે, તારીખ ૧૯ એપ્રિલના રોજ દાહોદ જીલ્લા સહિત અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, તેમજ મહીસાગર જીલ્લાના છુટા છવાયા સ્થળો પર ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ૨૦મી એપ્રિલના રોજ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાની શક્યતા છે. સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર સહિતના વિસ્તારોમાં ફરી વરસાદી માહોલ જોવા મળી શકે છે. ઉનાળાના પાક અને માર્કેટ યાર્ડમાં પડેલી જણસી ઓ માટે આ કમોસમી વરસાદ નુકસાનકારક સાબિત થઈ શકે છે. હવામાનમાં આવતા આ સતત પલટાને કારણે રોગચાળો ફેલાવાની પણ ભીતિ સેવાઈ રહી છે. જોકે આગામી સાત દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ઘટાડો થવાની શક્યતા નથી. સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં તાપમાન ૪૦ ડિગ્રીથી વધુ રહેશે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનોને કારણે ૧૯મી એપ્રિલ સુધી લોકોમાં ભારે ઉકળાટ અને અસ્વસ્થતાનો સામનો કરવો પડશે. હવામાન નિષ્ણાતો કહ્યું હતું કે, રાજ્યમાં હાલમાં ગરમી વધી રહી છે. આગામી ૨૦થી ૨૨ એપ્રિલ દરમિયાન હવામાન બદલાશે. દક્ષિણ-પૂર્વ ગુજરાતમાં પવન સાથે વરસાદ પડી શકે છે. ૪૦થી ૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, ૨૬ તારીખ પછી ફરી ગરમી વધવાની શક્યતાઓ છે. અનેક વિસ્તારમાં તાપમાન ૪૧થી ૪૩ ડિગ્રી સુધી પહોંચી શકે છે. તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં ચોમાસુ સામાન્યથી થોડું સાં રહેવાની શક્યતાઓ છે.