છોટાઉદેપુર તાલુકામાં મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા અનેક ગામોમાં ઓછા વરસાદના કારણે ડાંગરના પાકને ભારે નુકસાન થયુ હોવાની ખેડુતોમાં ફરિયાદો ઉઠી છે.
વિસ્તારમાં સિંચાઈની પુરતી સુવિધા ઉપલબ્ધ ન હોવાથી મોટાભાગના ખેડુતો ચોમાસાના વરસાદ આધારિત ખેતી પર નિર્ભર રહે છે. ખેડુતોએ ડાંગરની વાવણી માટે બિયારણ, ખાતર, દવા અને મજુરી સહિતનો ખર્ચ કર્યો હતો. પરંતુ ચોમાસામાં પુરતો વરસાદ ન પડતા ખેતરોમાં પાણીની અછત સર્જાઈ હતી. અને ડાંગરના પાકને જોઈએ તેટલુ પાણી નહિ મળતા વિકાસ નહિ થતાં પાક નિષ્ફળ જતાં ખેડુતોનો ખર્ચ પાણીમાં ગયો છે. વરસાદ આધારિત ખેતી નિષ્ફળ જાય તો ખેડુતો માટે પરિવારનુ જીવન નિર્વાહ ચલાવવો પણ મુશ્કેલ બન્યો છે. ડાંગરના પાકમાં થયેલા નુકસાનને લઈ ખેડુતોમાં નારાજગી જોવા મળી રહી છે. સરકાર પાસે તાત્કાલિક પાક નુકસાનીનો સર્વે કરાવવાની માંગ કરી છે. ખેડુતોને માંગ છે કે, તંત્ર દ્વારા અસરગ્રસ્ત ગામોમાં તાત્કાલિક સર્વે હાથ ધરવામાં આવે અને ડાંગરના પાકોમાં થયેલા નુકસાનના આધારે ખેડુતોને યોગ્ય વળતર મળે જેથી આર્થિક મુશ્કેલીમાં મુકાયેલા ખેડુતોને રાહત મળી શકે.