લુણાવાડાના નવા રાબડિયા ગ્રામ પંચાયત ખાતે સામાન્ય સભાની મિટીંગમાં સભ્યો સિવાયના બહારના માણસો બોલાવતા બોલચાલી

મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના નવા રાબડિયા ગ્રામ પંચાયત ખાતે સામાન્ય સભાની મિટીંગ દરમિયાન થયેલી બોલાચાલી અને મારામારીના બનાવ સંદર્ભે કોઠંબા પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવવા પામી છે.

નવા રાબડિયા ગ્રામ પંચાયત ખાતે સામાન્ય સભાની મિટીંગ રાખવામાં આવી હતી. જેમાં ગોવિંદભાઈ નાથાભાઈ પ્રજાપતિ(ઉ.વ.૩૭)તેમની પંચાયત સભ્ય પત્નિ સોનાલીબેનને મુકવા માટે ગયા હતા. ગ્રામ પંચાયતમાં સભ્યો સિવાય અન્ય બહારના માણસો હાજર હોવાથી તેમના કાકાના દિકરા મિતેશકુમારે હાજર તલાટીને બીજા માણસોને શુ કારણથી બોલાવેલ છે…?તેમ પુછતા પંચાયતમાં હાજર ડે.સરપંચ જયંતિભાઈ અંબાલાલ પ્રજાપતિએ ગાળો બોલી મિતેશને મારો તેમ કહ્યુ હતુ. તે બાદ હાજર અન્ય આરોપીઓ રામાભાઈ ભરવાડ અને ગોવિંદભાઈ ભરવાડે મિતેશભાઈને લાફા માર્યા હતા. ફરિયાદી ગોવિંદભાઈ નાથાભાઈ પ્રજાપતિ બચાવવા વચ્ચે પડતા રામાભાઈ અમરાભાઈ ભરવાડે લોખંડની ખુરશી મારી ઈજા પહોંચાડી હતી. તથા ગોવિંદભાઈ ભરવાડે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે ફોન કરતા પોલીસ તથા ૧૦૮ ધટના સ્થળે આવી પહોંચી ઈજાગ્રસ્ત ફરિયાદીને સારવાર માટે કોઠંબા સીએચસી ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે કોઠંબા પોલીસે રામાભાઈ અમરાભાઈ ભરવાડ, ગોવિંદભાઈ દેવકરણ ભરવાડ, અને જયંતિભાઈ અંબાલાલ પ્રજાપતિ સામે ગુનો દાખલ કરી આગળ કાર્યવાહી હાથ ધરી હતી.