નસવાડી તાલુકાના કંકુવાસણથી નર્મદા જિલ્લાને જોડતા મીઠીવાવ તરફના માર્ગ પર આવેલા નાના પુલના છેડે મોટુ ગાબડું પડતા વાહનચાલકો માટે જોખમ ઉભું થયુ છે. રાત્રિના સમયે આ ગાબડું ભારે વાહનચાલકોને નજરે ન પડે તો ગંભીર અકસ્માતો સર્જાવવાની શકયતા સેવાઈ રહી છે.
ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે પુલના છેડા પાસે રસ્તાનો ભાગ ધોવાઈ જતાં મોટુ ગાબડું પડી ગયુ છે. ગાબડું પડ્યાને આશરે બે મહિના જેટલો સમય વિતી ગયો છતાં માર્ગનુ સમારકામ હાથ ધરવામાં આવ્યુ નથી. અકસ્માતની શકયતા ધ્યાનમાં રાખીને સ્થાનિક લોકોએ ગાબડાની આસપાસ પથ્થરો ગોઠવી વાહનચાલકોને દુરથી જ જોખમની જાણ થાય તેવી વ્યવસ્થા કરી છે. કંકુવાસણ-મીઠીવાવ માર્ગ નસવાડી તાલુકા ઉપરાંત નર્મદા જિલ્લાના અનેક ગામોને જોડતો મહત્વનો માર્ગ છે. આ માર્ગ પરથી રોજ મોટી સંખ્યામાં વાહનોની અવર જવર રહે છે. ચોમાસા દરમિયાન વરસાદથી નુકસાન પામેલા રસ્તાઓનુ તાત્કાલિક સમારકામ કરવા તંત્ર દ્વારા સુચનાઓ આપવામાં આવતી હોવા છતાં નસવાડી પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ સ્થળથી યોગ્ય મુલાકાત લઈ જરી કાર્યવાહી કરી નથી તેવી સ્થાનિકોની ફરિયાદ છે. સ્થાનિકોએ તંત્ર સમક્ષ અધિકારીઓ સ્થળની મુલાકાત કરે અને ગાબડાની સ્થિતિનુ નિરીક્ષણ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં આવે તેવી માંગ કરી છે.