દે.બારીઆ તાલુકાની ગ્રામ પંચાયત કચેરીઓમાં તલાટીઓ અનિયમિત આવતા હોવાની ગ્રામજનોની વ્યાપક ફરિયાદો ઉઠી છે. જેના કારણે ખેડુતો તેમજ અન્ય લાભાર્થીઓને ધરમ ધકકા ખાવા પડી રહ્યા છે.
દે.બારીઆ તાલુકામાં ૯૦ જેટલા ગામડા આવેલા છે. આ દરેક ગામની ગ્રામ પંચાયત કચેરી માટે સેજો હોય છે. જે સેજામાં તલાટી કયાંક બે કરતા વધારે ગ્રામ પંચાયતોનો હવાલો સંભાળતા હોય છે. દે.બારીઆ તાલુકામાં અગાઉ ૨૨ થી ૨૫ જેટલા તલાટીઓ હતા. વહીવટી કારણોસર અમુક તલાટીઓની બદલી થઈ હતી. જેમાં ધણા તલાટીઓ અન્ય તાલુકામાં બદલી થતાં તેમના સેજા ઉપર બીજા નવા આવનાર તલાટીઓની નિમણુંક થઈ છે. દે.બારીઆ તાલુકામાં ધણા ગામડા દુર હોય અને તલાટી કમ મંત્રી બહારગામ દુરથી અપડાઉન કરતા હોય તેમજ બે કે ત્રણ ગામનો હવાલો હોય ધણીવાર સમયે પોતાના સેજાની ગ્રામ પંચાયત કચેરી ઉપર પહોંચી શકતા નથી. જેને કારણે ખેડુત તેમજ વિદદ્યાર્થીઓ અને અન્ય લાભાર્થીઓ ગ્રામ પંચાયત કચેરી સુધી પહોંચી તલાટી નહિ આવતા વિલા મોંઢે પાછા ફરવુ પડતુ હોય છે. તેમજ જરી કાગળો કઢાવવા માટે તકલીફ પડતી હોય છે. દે.બારીઆ તાલુકાના તલાટીઓના સેજાઓમાં ફેરફારો તેમજ અન્ય તાલુકામાં બદલીઓના કારણે હાલમાં તાલુકાના ખેડુતો, સરપંચો તેમજ ગામડાની જનતાને પણ તલાટી હાજર નહિ મળતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.