જિલ્લા રોજગાર વિનિમય કચેરી, દાહોદ અને દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજ, દાહોદના સંયુક્ત ઉપક્રમે કૉલેજ કેમ્પસ ખાતે જિલ્લા કક્ષાના રોજગાર ભરતી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
કૉલેજના આચાર્ય ડૉ. બી.આર. બોદર તથા વાઇસ પ્રિન્સિપાલ ડૉ. હરેશ કે. પંચાલના માર્ગદર્શન હેઠળ આયોજિત આ ભરતી મેળામાં બી.એ. અને બી.કોમ.ના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ તેમજ દાહોદ શહેર અને આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં રોજગારવાંચ્છુ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના પ્રારંભે વાઇસ પ્રિન્સિપાલ ડૉ. હરેશ કે. પંચાલ સાહેબે ઉપસ્થિત ઉમેદવારો તેમજ વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓનું સ્વાગત કરી ઉમેદવારોને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી. જિલ્લા રોજગાર કચેરીના શ્રી ધર્મેશ ચૌહાણ સાહેબે રોજગાર મેળા અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ ભરતી મેળામાં સ્થાનિક, નેશનલ અને ઇન્ટરનેશનલ સ્તરની ૧૩ જેટલી નામાંકિત કંપનીઓએ ભાગ લીધો હતો અને કુલ ૩૨૩ જેટલી વિવિધ જગ્યાઓ માટે ઉમેદવારોના ઇન્ટરવ્યુ યોજાયા હતા. સમગ્ર કાર્યક્રમમાં દાહોદ વિસ્તારના ૬૦૦થી વધુ ઉમેદવારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ પ્રસંગે સંસ્કૃત વિભાગના અધ્યક્ષ પ્રો. ગૌતમ સંગાડા, ઉદિશા પ્લેસમેન્ટ વિભાગના કો-ઓર્ડિનેટર ડૉ. લાલજીભાઇ પરમાર, ડૉ. ઉત્તમ જાદવ અને પ્રો. ઇતલીબેન ઉપસ્થિત રહી ઉમેદવારોને પ્રોત્સાહિત કર્યા હતા.
સંપૂર્ણ કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ. મેઘા કે. ઠાકર દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે અંતમાં ડૉ. જીતેન્દ્ર વણઝારાએ સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો.