શહેરા તાલુકા મથક ખાતે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ધામધૂમ પૂર્વક અને ઉત્સાહભેર ઉજવણી કરાઈ …

શહેરા તાલુકા મથકે આવેલ કેશવ ગ્રાઉન્ડ ખાતે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે એક વિશાળ જાહેર સભા અને સાંસ્કૃતિક રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આદિવાસી, નાયક, રાઠવા સમાજના અગ્રણીઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં પરંપરાગત વસ્ત્રો અને શસ્ત્રો સાથે ઉપસ્થિત રહ્યા હતા.આ ઉજવણી દરમિયાન સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા અને વ્યસનમુક્તિના સંકલ્પ સાથે જ “RBC ને ST યાદીમાંથી દૂર કરો” અને “બોગસ સર્ટિફિકેટધારકો સામે કાર્યવાહી કરો” જેવા પડતર પ્રશ્નો અંગે વિરોધ બેનરો પ્રદર્શિત કરી ન્યાયની માંગ કરવામાં આવી હતી.

શહેરા તાલુકા મથક ખાતે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ધામધૂમ પૂર્વક અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે તાલુકા મથકે આવેલા કેશવ ગ્રાઉન્ડ ખાતે એક વિશાળ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આદિવાસી સમાજ, નાયક સમાજ, રાઠવા સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં જ્ઞાતિબંધુઓ ઉપસ્થિત રહ્યા હતા.સભા દરમિયાન અગ્રણીઓ દ્વારા સમાજના બાળકો શિક્ષણ ક્ષેત્રે આગળ વધે અને સમાજના લોકો દારૂ સહિતના અન્ય દૂષણો તથા વ્યસનોથી મુક્ત બને તે માટે ખાસ અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત સમાજની એકતા જળવાઈ રહે, પોતાની ભાષા, બોલી અને સંસ્કૃતિનું જતન થાય તે માટે દ્રઢ સંકલ્પ લેવાયો હતો.કેશવ ગ્રાઉન્ડ ખાતેથી ડી.જે. સિસ્ટમ, ઢોલ-શરણાઈના મધુર સુર અને આદિવાસી ગીતોના તાલે વિશાળ રેલી પ્રસ્થાન થઈ હતી. વડીલો અને યુવાનો પરંપરાગત વસ્ત્રો ધારણ કરી, હાથમાં તીર-કામઠી અને ભાલા જેવા પરંપરાગત શસ્ત્રો સાથે ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. આ રેલી કેશવ મેદાનથી શરૂ થઈ અણીયાદ ચોકડી, સિંધી ચોકડી થઈને બસ સ્ટેશન સહિતના વિવિધ વિસ્તારોમાં ફરી હતી.રેલી દરમિયાન ઉપસ્થિત આદિવાસી અગ્રણીઓ અને યુવાનોના હાથમાં પોતાની પડતર માંગણીઓને લઈને વિરોધ દર્શાવતા બેનરો જોવા મળ્યા હતા. જેમાં “RBC ને ST યાદીમાંથી દૂર કરો”, “આદિવાસીઓને થતા અન્યાય બંધ કરો” તેમજ “બોગસ સર્ટિફિકેટવાળાઓને દૂર કરો” જેવા લખાણવાળા બેનરો અને પ્લેકાર્ડ્સ સાથે વિરોધનો સૂર પણ વ્યક્ત કરાયો હતો.ઉજવણી અને રેલીના કારણે અણીયાદ ચોકડીથી લઈને બસ સ્ટેશન સુધીના માર્ગો પર ક્ષણિક ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા અણીયાદ ચોકડીથી બસ સ્ટેશન સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.