
ગોધરા સબજેલ ખાતે વિશ્ર્વ આદિવાસી દિવસ નિમિત્તે એક વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેલ અધિક્ષક આર.બી. મકવાણા અને સ્ટાફના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં જેલના કર્મચારીઓ અને કેદીઓ પરંપરાગત આદિવાસી વેશભૂષા ધારણ કરી ટીમલીના તાલે ઝૂમીને આદિવાસી સંસ્કૃતિના વારસાને સન્માનિત કર્યો હતો.
વિશ્ર્વ આદિવાસી દિવસની આ ઉજવણી દરમિયાન જેલનું વાતાવરણ ઉત્સવમય બની ગયું હતું. જેલ સ્ટાફ અને કેદીઓએ એકસાથે પરંપરાગત આદિવાસી પોશાક પહેરીને આદિવાસી સમુદાયના સમૃદ્ધ વારસા, પરંપરાઓ અને યોગદાનને બિરદાવ્યા હતા, જેનાથી જેલ પરિસરમાં એકતા અને સામાજીક સમરસતાનો સંદેશો પ્રસરી ગયો હતો.
ઉજવણી દરમિયાન આદિવાસી સંસ્કૃતિના લોકનૃત્યો, પારંપરિક સંગીત અને વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવી હતી. જેલમાં બંધ કેદીઓએ તમામ ચિંતાઓ ભૂલીને ભારે ઉત્સાહ અને આનંદ સાથે આ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો.
જેલ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા આ સકારાત્મક પ્રયાસથી કેદીઓમાં નવો ઉત્સાહ, આત્મસંતોષ અને માનસિક પરિવર્તન જોવા મળ્યું હતું. જેલના બંધિયાર વાતાવરણ વચ્ચે યોજાયેલી આ અનોખી ઉજવણી સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની હતી.