પંચમહાલ સંત સમાજનું દ્વારા પપ્પુ યાદવ, રાહુલ ગાંધી સહિત નેતાઓ દ્વારા સનાતન સંસ્કૃતિના અપમાનના મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર

પંચમહાલ સંત સમાજે સનાતન સંસ્કૃતિ અને સાધુ-સંતોના અપમાનના આક્ષેપ મુદ્દે જીલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન યોજી આવેદનપત્ર સુપ્રત કર્યું. આ દેશવ્યાપી વિરોધ પ્રદર્શનના ભાગ‚પે ગુ‚વારે આ કાર્યક્રમ યોજાયો હતો.

આવેદનપત્રમાં ૩૧ જુલાઈ, ૨૦૨૬ના રોજ સંસદ પરિસરમાં બનેલી એક ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સંત સમાજે સાંસદ પપ્પુ યાદવ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સાંસદ રાહુલ ગાંધી, અયોધ્યાના સાંસદ અવધેશ પ્રસાદ અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ સહિતના નેતાઓ પર સનાતન સંસ્કૃતિ, ભગવા વસ્ત્રો અને સાધુ-સંતોની પરંપરાનું અપમાન કરવાનો આક્ષેપ કર્યો છે.

આ ઘટનાથી દેશભરના સંત સમાજ અને સનાતન ધર્મના અનુયાયીઓની ધાર્મિક લાગણીઓ દુભાઈ હોવાનું આવેદનમાં જણાવાયું છે. સંત સમાજે વધુમાં જણાવ્યું છે કે, ભગવા વસ્ત્રોનો છદ્મવેશ ધારણ કરીને સંત સમાજની છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થયો છે, તેમજ ભગવાનના પૂજનીય ચિત્રોનું અનાદર કરવામાં આવ્યું છે. આ સમગ્ર ઘટનાને સંત સમાજ અને આશ્રમ વ્યવસ્થાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના પ્રયાસ તરીકે રજૂ કરાઈ છે.

આવેદનપત્રમાં મુખ્યત્વે સંબંધિત તમામ નેતાઓ સામે ગંભીર કલમો હેઠળ એફઆઈઆર નોંધવાની, તેમની સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની, સંસદ સભ્યપદ રદ કરવાની પ્રક્રિયા હાથ ધરવાની અને સંત સમાજ તથા આશ્રમોને થયેલા કથિત આર્થિક નુકસાનની ભરપાઈ કરાવવાની માંગ કરવામાં આવી છે.

સંત સમાજે ચેતવણી આપી છે કે, જો આ મામલે તંત્ર દ્વારા ત્વરિત અને યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો દેશભરમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.