શહેરા વચ્છેસર કોલોની તરફ જતા માર્ગ પર સ્ટ્રીટ લાઈટ બંધ રહેતા પરિવારો રાત્રિના સમયે અંધારામાં પ્રસાર થયા મજબુર

શહેરા નગરપાલિકા વિસ્તારમાં આવેલી વચ્છેસર કોલોની તરફ જતા માર્ગ પર મોટાભાગની સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં હોવાથી અને કેટલાક થાંભલા પર આજદિન સુધી લાઈટો જ ન નખાતાં સમગ્ર રસ્તો અંધકારમય બની ગયો છે. પાનમ હાઈ લેવલ કેનાલ અડીને આવેલા આ એકમાત્ર રસ્તા પરથી પસાર થતાં ૭૦થી વધુ પરિવારો, મહિલાઓ અને બાળકો ચોમાસાના સમયે ઝેરી જનાવરો તથા મગરના ભય વચ્ચે અવરજવર કરવા મજબૂર બન્યા છે. નગરપાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે તમામ થાંભલા પર નવી લાઈટો નાખી બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવામાં આવે તેવી સ્થાનિકોમાં પ્રબળ માંગ ઉઠી છે.

શહેરા નગરપાલિકા વિસ્તારમાં આવેલી વચ્છેસર કોલોની તરફ જતા માર્ગ પર નગરપાલિકા દ્વારા થોડા સમય પહેલા સ્ટ્રીટ લાઈટના થાંભલા લગાવવામાં આવ્યા હતા, જ્યાં લાઈટો પણ નાખવામાં આવી હતી, પરંતુ તે થાંભલામાંથી ચાર થી પાંચ થાંભલા પર આજદિન સુધી એક પણ લાઈટ લગાવવામાં આવી નથી, તો વળી જે થાંભલા પર લાઈટો નાખવામાં આવી હતી, તેમાંથી પણ મોટાભાગની લાઈટો અત્યારે બંધ હાલતમાં છે. પરિણામે સાંજ પડતા જ અડધો ઉપર રસ્તો અંધકારમાં ગરકાવ થઈ જાય છે. માર્ગ પર પૂરતી લાઈટો ન હોવાને કારણે અહીંના સ્થાનિકોને રાત્રિના સમયે અંધારામાં અવર જવર કરવામાં ભારે મુશ્કેલી પડતી હોય છે. વચ્છેસર કોલોનીમાં અંદાજે ૭૦ પરિવારો વસવાટ કરે છે,આ કોલોનીમાં અવર જવર કરવા માટે પાનમ હાઈ લેવલ કેનાલની બાજુ માંથી એક જ માર્ગ પસાર થાય છે. જ્યાંથી સવાર-સાંજ અને રાત્રિના સમયે અહીં વસવાટ કરતા સ્થાનિકોના બાળકો શાળા એ જતા હોય છે, સાથે દરેક કામકાજ માટે અહીંના લોકો અને મહિલાઓને આ જ રસ્તાનો ઉપયોગ કરવો પડે છે, જેથી હાલ ચોમાસા દરમિયાન કેનાલ વિસ્તારમાં જંગલી જનાવરો નીકળતા હોવાથી લાઈટના અભાવે સ્થાનિકોને કોઈ ઝેરી જનાવર કરડવાનો ભય સતાવી રહ્યો છે. ઉલ્લેખનીય છેકે, આ માર્ગ પર બે થી ત્રણ વાર સ્થાનિકોને મગર દેખો દીધો હતો. જેને લીધે સ્થાનિકોને રાત્રિના સમયે નાના બાળકોને લઈને અવર જવર કરવામાં ડર લાગે છે, જેથી પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે માર્ગ પરના તમામ થાંભલાઓ પર લાઈટ લગાવીને સ્ટ્રીટ લાઈટો ચાલુ કરી માર્ગને અંધારામાંથી મુક્તિ અપાવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. હવે જોવું એ રહ્યું કે, નગરપાલિકા તંત્ર દ્વારા વચ્છેસર કોલોની તરફ જતા માર્ગ પર લાઈટ વગરના ઉભેલા થાંભલા પર ક્યારે લાઈટ લગાવવામાં આવે છે.