
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના સુરેલી ખાતે આજરોજ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિશે જાણકારી આપવાના હેતુથી કિસાન ગોષ્ઠીનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને ઓછી ખર્ચાળ, પર્યાવરણમૈત્રી અને ટકાઉ ખેતી પદ્ધતિઓ તરફ પ્રેરિત કરવાનો હતો.
ગોષ્ઠીમાં આત્મા પ્રોજેક્ટના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી ભાવિન મહેતાએ પ્રાકૃતિક કૃષિનું મહત્વ અને તેના પાંચ મુખ્ય આયામો વિશે વિસ્તૃત વિગતો આપી હતી. ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ મેનેજર શ્રી યોગેશ જી. પટેલે જીવામૃત અને ધન જીવામૃત બનાવવાની પદ્ધતિ, તેના ઉપયોગ અને ખેતીમાં થતા લાભો અંગે વ્યવહારુ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત, આત્મા પ્રોજેક્ટ (તા. શહેરા)ના ATM શ્રી ગણપત એ. પટેલે ખેડૂતો માટે ઉપલબ્ધ વિવિધ સરકારી યોજનાઓ અને આત્મા પ્રોજેક્ટની રૂપરેખા રજૂ કરી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ટીપીએમ શ્રી સચિન પરમાર, ખેતી મદદનીશ શ્રી અશોક પટેલીયા તેમજ સુરેલી ક્લસ્ટરના CRP અને કૃષિ સખીઓએ મહત્વપૂર્ણ આયોજન અને સંકલન કર્યું હતું. ગોષ્ઠી દરમિયાન સ્થાનિક ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પ્રાકૃતિક ખેતી અંગે પોતાના પ્રશ્નો પૂછી યોગ્ય માર્ગદર્શન મેળવ્યું હતું.