ગોવિંદ ગુરૂના ધોળીદાંતીમાં મકાનને નિશાન બનાવી રૂ.૧.૯૧ લાખના દાગીનાની ચોરી કરતા તસ્કરો

-અમદાવાદમાં કામે ગયેલા કોન્ટ્રાક્ટરના ઘરને નિશાન બનાવ્યું; અંદાજે ૨.૯૫ કિલો ચાંદી અને ૨૭ ગ્રામ સોનાના દાગીના પર હાથફેરો, લીમડી પોલીસ તપાસમાં જોતરાઈ.

ગોવિંદ ગુ‚ લીમડી તાલુકાના ધોળીદાંતી ગામમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી ફિલ્મી ઢબે ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. મુખ્ય દરવાજાનું તાળું તોડ્યા બાદ ઘરના અંદરના ‚મનો નકુચો તોડી બે તિજોરીઓના દરવાજા પણ તોડી નાખ્યા હતા. ત્યારબાદ તિજોરીમાં રહેલા અંદાજે ૨.૯૫ કિલો ચાંદીના અને ૨૭ ગ્રામ સોનાના દાગીના સહિત કુલરૂ. ૧.૯૧ લાખની મત્તા ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે.

પોલીસ ફરિયાદ મુજબ ધોળીદાંતી ગામના કુંજા ફળિયામાં રહેતા અને વ્યવસાયે લેબર કોન્ટ્રાક્ટર જયંતીલાલ સુરસીંગભાઈ મુનિયા (ઉ.વ. ૪૭) અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી રાજ્યશ સિટીમાં કોન્ટ્રાક્ટનું કામ કરી રહ્યા હતા. તેમની પત્ની પણ તા. ૨૮ જુલાઈથી અમદાવાદમાં તેમની સાથે હતી. જ્યારે તેમના વૃદ્ધ માતા-પિતા ધોળીદાંતી સ્થિત ઘરે રહેતા હતા.

તા. ૧ ઓગસ્ટની સાંજે વૃદ્ધ દંપતીએ ઘર બંધ કરી મોટા પુત્રના ઘરે રાત્રિ રોકાણ કર્યું હતું. બીજા દિવસે સવારે જ્યારે માતા ઘરે પરત ફરી ત્યારે મુખ્ય દરવાજો ખુલ્લો જોવા મળ્યો. શંકા જતાં પુત્રવધૂને ફોન કર્યો તો તેઓ અમદાવાદમાં હોવાનું જાણવા મળ્યું. ત્યારબાદ પરિવારના સભ્યો ઘરે પહોંચતા ચોરીનો ભેદ ખુલ્યો હતો.

ઘરમાં પ્રવેશતા જ તમામ સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. તસ્કરોએ માત્ર મુખ્ય દરવાજાનું તાળું જ નહીં, પરંતુ અંદરના ‚મનો નકુચો પણ તોડી નાખ્યો હતો. ત્યારબાદ રૂમમાં રાખેલી બે તિજોરીઓના દરવાજા તોડી અંદરનો સામાન બહાર ફેંકી કિંમતી દાગીનાની શોધખોળ કરી હતી.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તસ્કરો ચાંદીના પાયલ, ઝાંઝરી, ભોરીયા, કંદોરો, સાકળી, છડા સહિત અંદાજે ૨.૯૫ કિલો ચાંદીના દાગીના તેમજ ૨૭ ગ્રામ સોનાની સેલર, બુટ્ટી અને મરકી ચોરી કરી ગયા હતા. ચોરી ગયેલી મિલકતની કુલ કિંમત અંદાજે રૂ.૧,૯૧,૦૦૦ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

ઘટનાની જાણ થતાં જયંતીલાલ મુનિયા અને તેમની પત્ની અમદાવાદથી તાત્કાલિક ધોળીદાંતી પહોંચ્યા હતા. ગામના આગેવાન કાનજીભાઈ હકલાભાઈ હઠીલાની હાજરીમાં તેઓ લીમડી પોલીસ સ્ટેશન પહોંચ્યા અને અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવી હતી.

પ્રાથમિક તપાસમાં ચોરીની ઘટના તા. ૧ ઓગસ્ટના સાંજે ૬ વાગ્યાથી તા. ૨ ઓગસ્ટના સવારે આશરે ૭:૩૦ વાગ્યા વચ્ચે બની હોવાનું સામે આવ્યું છે. પોલીસે ગુનો નોંધી આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ, શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલ તેમજ ટેકનિકલ પુરાવાઓના આધારે તસ્કરોને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શ‚ કર્યો છે.