
શહેરા તાલુકા સહિત જીલ્લાભરમાં ગુરૂ પૂર્ણિમા પર્વની શ્રદ્ધા અને આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. તાલુકા સહિત સમગ્ર જીલ્લામાં ૧૦૦થી પણ વધુ સ્થળોએ ગુરૂ વંદના, પૂજા-અર્ચન, આરતી અને ભજન-કીર્તન જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો ધામધૂમથી યોજાયા હતા.
શહેરા તાલુકા સહિત જીલ્લાભરમાં ગુપૂર્ણિમાની અત્યંત આસ્થા અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. પૌરાણિક મરડેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે ગુપૂર્ણિમાનું વિશેષ મહાત્મ્ય જોવા મળ્યું હતું. અહીં બ્રહ્મલીન થયેલા પૂજ્ય અમરગીરીજી મહારાજ તથા પૂજ્ય શ્યામગીરીજી મહારાજની સમાધિ અને છબીના દર્શન કરવા માટે જીલ્લા તેમજ આસપાસના અન્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આવ્યા હતા. ભક્તોએ મહાદેવના દર્શન કરવા સાથે બ્રહ્મલીન સંતોના આશીર્વાદ સ્મરણ કરીને ધન્યતાની અનુભૂતિ કરી હતી. નગરમાં આવેલ વર્ષો જૂના અને ઐતિહાસિક રાજરાજેશ્ર્વરી માઁ મહાલક્ષ્મી મંદિર ખાતે પણ ગુપૂર્ણિમા પર્વ નિમિત્તે વિશેષ ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો. અહીં પૂજ્ય રંગ અવધૂત મહારાજની પાદુકાનું વિધિવત રીતે પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાળુઓએ માઁ મહાલક્ષ્મીના દર્શન સાથે રંગ અવધૂત મહારાજના પાદુકા પૂજનનો લાભ લીધો હતો. જ્યારે ગુપૂર્ણિમા નિમિત્તે ૧૦૦થી પણ વધુ સ્થળોએ ના નાના-મોટા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ અને સંતપરિવારના સેવકો પોતાના ગુરૂ દેવના ચરણોમાં શિશ નમાવવા અને આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ઉત્સુક જોવા મળ્યા હતા. વિવિધ આશ્રમો, મંદિરો અને ધાર્મિક સ્થાનો પર “ગુરૂ બ્રહ્મા, ગુરૂ વિષ્ણુના મંત્રોચ્ચાર અને ભજન-કીર્તનથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.