ઝાલોદ કૉલેજમાં પ્રથમ વર્ષ B.A. અને B.Com.ના વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન, ઇન્ડક્શન તથા સત્કાર સમારોહ યોજાયો

ઝાલોદ વિદ્યા સમાજ ટ્રસ્ટ સંચાલિત શ્રી કે. આર. દેસાઈ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ઝાલોદ ખાતે આજ રોજ તારીખ ૨૦/૦૭/૨૦૨૬ ને સોમવારના દિવસે પ્રથમ વર્ષ B.A. અને B.Com.માં નવો પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે એક વિશેષ ઓરિએન્ટેશન, ઇન્ડક્શન અને સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે ટ્રસ્ટના ઉપપ્રમુખ શ્રી એસ. આર. રાવ સાહેબ તથા માનદ મંત્રી શ્રી ડૉ. પી. એમ. પટેલ સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ બંને મહાનુભાવોએ પોતાના બહોળા શૈક્ષણિક-સામાજિક અનુભવો અને મહાન વિભૂતિઓના જીવન ચરિત્રના ઉદાહરણો આપીને, જીવનમાં પ્રગતિના પંથે કેવી રીતે આગળ વધવું અને સફળતાના સોપાનો કેવી રીતે સર કરવા તે અંગે વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડી આશીર્વાદ આપ્યા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના આચાર્યશ્રી ડૉ. એ. આર. મોદી સાહેબે નવા આવેલા તમામ વિદ્યાર્થીઓનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. તેમણે કોલેજની ગૌરવશાળી પરંપરા, પ્રણાલીઓ અને વિશેષતાઓથી વિદ્યાર્થીઓને અવગત કરાવ્યા હતા, તેમજ કોલેજ પરિવારના તમામ શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક કર્મચારી મિત્રોનો પરિચય કરાવ્યો હતો. આ સાથે જ તેમણે કોલેજમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ, શિસ્તના નિયમો, વિવિધ ક્લબની રચના અને કોલેજની ઓફિશિયલ એપ્લિકેશન (Application) વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી.

 આ પ્રસંગે કૉલેજના વરિષ્ઠ અધ્યાપક ડૉ. બહાદુરસિંહ ગોહિલ સાહેબે એન.એસ.એસ. (NSS), સ્પોર્ટ્સ અને યુનિવર્સિટી પરીક્ષાલક્ષી નિયમોની માહિતી આપી હતી. લેફ્ટનન્ટ ડૉ. અજીતસિંહ પરમારે એન.સી.સી. (NCC) ની પ્રવૃત્તિઓ અને તેના ફાયદાઓ વિશે, ડૉ. વાય. પી. ઝાલાએ વર્ષ દરમિયાન થનારી વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિશે, પ્રો. સવિતાબેન ચૌધરીએ CWDC (વુમન ડેવલપમેન્ટ સેલ) અંતર્ગત ચાલતી પ્રવૃત્તિઓ વિશે તેમજ લાઇબ્રેરીયન ડો. પી. એમ. શેલકેએ પુસ્તકાલયનો ઉપયોગ, કારકિર્દી માર્ગદર્શન, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને જોબ પ્લેસમેન્ટ સેલ અંગે વિદ્યાર્થીઓને ઊંડાણપૂર્વક સમજ આપી હતી.

સમગ્ર કાર્યક્રમનું સફળ અને સુંદર સંચાલન ગુજરાતી વિભાગના અધ્યાપિકા ડૉ. અનિતાબેન પાદરીયા દ્વારા કરવામાં આવ્યું હતું, અને સાથે જ તેમણે સરકારશ્રીના ઇનોવેશન અને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ (SSIP) પ્રોગ્રામ વિશે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ સાથે આ કાર્યક્રમ ઉત્સાહભેર સંપન્ન થયો હતો.