દાહોદ-લીમડી હાઇવે પર એસટી બસની ટક્કરથી દંપતી ગંભીર રીતે ઘાયલ

સ્કૂલમાં અભ્યાસ કરતા પુત્રને મળવા જતા અકસ્માત સર્જાયો, બસ ચાલક સામે ફરિયાદ નોંધાઈ.

ગરબાડા તાલુકાના અભલોડ ગામના દંપતી પોતાના પુત્રને મળવા માટે લુણાવાડા જઈ રહ્યા હતા. ત્યારે દાહોદ-લીમડી હાઇવે પર મીરાખેડી પંચાયત નજીક એસટી બસની ટક્કર વાગતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં પતિને સામાન્ય જ્યારે પત્નીને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. બંનેને સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ફરિયાદ મુજબ, અભલોડ ગામના સચિનકુમાર પ્રેમચંદભાઈ ભાભોર પોતાની પત્ની શનિબેન સાથે સુઝુકી એક્સેસ (રજિ. નં. GJ-20-BQ-9681) પર સવાર થઈ લુણાવાડા નજીક ગંગટા સ્થિત જ્ઞાનશક્તિ રેસિડન્સી સ્કૂલમાં અભ્યાસ કરતા પોતાના પુત્ર શ્રીકાંતને મળવા જઈ રહ્યા હતા. વહેલી સવારે અંદાજે 5:30 વાગ્યાના સમયે મીરાખેડી પંચાયત નજીક દાહોદ તરફથી આવતી લાલ રંગની એસટી બસ (રજિ. નં. GJ-18-ZT-3362)ના ચાલકે બેદરકારીપૂર્વક અને પુરઝડપે બસ હંકારી પાછળથી તેમની એક્સેસને ટક્કર મારી હતી.

ટક્કરના કારણે દંપતી રોડ પર પટકાઈ ગયું હતું. અકસ્માતમાં સચિનકુમાર ભાભોરને માથા સહિત શરીરે સામાન્ય ઇજાઓ પહોંચી હતી, જ્યારે તેમની પત્ની શનિબેનને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેમની હાલ સારવાર ચાલી રહી છે.

ઘટનાની જાણ થતાં ૧૧૨ ઇમરજન્સી સેવા સ્થળ પર પહોંચી હતી અને બસના ચાલકને લીમડી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા બંને ઇજાગ્રસ્તોને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે સચિનકુમાર પ્રેમચંદભાઈ ભાભોરે એસટી બસના ચાલક સામે બેદરકારીપૂર્વક વાહન હંકારી અકસ્માત સર્જી પોતાને તથા પત્નીને ઇજાઓ પહોંચાડવા અંગે કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.