
છોટાઉદેપુર જીલ્લામાં આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોએ છેલ્લા ત્રણ મહિનાથી પગાર ન મળતા જીલ્લા પંચાયત ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમણે સૂત્રોચ્ચાર કરીને જીલ્લા આરોગ્ય અધિકારીને રજૂઆત કરી હતી.
જીલ્લાના તમામ અર્બન હેલ્થ સેન્ટર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં સેવા આપતી આ આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોનો નિયમિત પગાર, બાકી રહેલો ૫૦% વધારો અને વિવિધ કામગીરીના પ્રોત્સાહનો ચૂકવવામાં આવ્યા નથી.
મોટી સંખ્યામાં બહેનોએ જીલ્લા પંચાયત ખાતે ‘હાય હાય’ના નારા લગાવી સૂત્રોચ્ચાર કર્યા હતા. તેઓ જીલ્લા આરોગ્ય અધિકારીની ચેમ્બરની બહાર ધરણા પર બેસી ગયા હતા અને વહેલી તકે પગાર ચૂકવવાની માંગ કરી હતી.
આશા વર્કરોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો તેમનો પગાર ઝડપથી ચૂકવવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં તેઓ પોલિયો અભિયાનનો બહિષ્કાર કરશે અને ઉગ્ર આંદોલન કરશે.