વિરપુરના મુકેશ્વર ચોકડીથી સરાડિયા રોડ પર ચારે તરફ દબાણોની ભરમાર

મહિસાગર જિલ્લાના વિરપુરના મુકેશ્વર ચોકડીથી સરાડિયા સુધીના રસ્તા પરના દબાણોનો મુદ્દો સંકલન સમિતિની બેઠકમાં ગાજ્યો હતો. અગાઉ ગ્રા.પં.દ્વારા કરેલી કાર્યવાહીમાં 25 મિલ્કત ધારકોએ તેમના દબાણો સ્વૈચ્છિક રીતે દુર કરવા માટે સહમતી આપી દીધી છે. આ દબાણો આગામી સમયમાં તોડી પાડવામાં આવશે.

આ દબાણકારોને ત્રણ-ત્રણ વખત નોટિસ આપવા છતાં ગંભીરતાથી લીધી ન હતી. આ પ્રશ્ર્ન રસ્તા બાબતનો હતો. જેમાં દબાણનો મુદ્દો મુખ્ય હતો. મુકેશ્ર્વર ચોકડીથી સરાડિયા તરફ જતાં આ રસ્તા પર બંને બાજુ બે લાઈન જેટલુ દબાણ છે. લીમડાથી પ્રજાપતિના દબાણો તરીકે ઓળખાય છે. ગ્રામ પંચાયત દ્વારા દબાણકર્તાઓને અગાઉ ત્રણ નોટિસો આપવામાં આવી હતી. તાજેતરમાં લગભગ 25 જેટલા લોકોને નોટિસ ફટકારી હતી. આ નોટિસમાં દબાણકર્તાઓને દસ્તાવેજ પુરાવા જમા કરાવવા અથવા ખુલાસો આપવા માટે જણાવ્યુ હતુ. દબાણકર્તાઓએ દબાણ દુર કરવા માટે સહમતી આપી દીધી હતી. જેના કારણે આ દબાણનો મુદ્દો હવે કોઈ સમસ્યા કે વિવાદ પેદા કરશે નહિ. આ દબાણો દુર કરવાની કાર્યવાહી આગામી દિવસોમાં શરૂ કરાશે.