દાહોદ જીલ્લાના ગુગોંવિંદ લીમડી તાલુકાના ધોળા ખાખરા ઝાબ ફળીયામાં રહેતી એક પરિણીતાએ પોતાના પતિ સહિત સાસરીયાઓ સામે શારીરિક અને માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવતા મામલો ચર્ચાનો વિષય બન્યો છે.
ફરિયાદ મુજબ રવિનાબેન માલભાઈ ડામોરના લગ્ન તા.૦૪/૦૪/૨૦૨૪ના રોજ રળીયાતી ભુરા ડુંગર ફળીયાના કલ્પેશભાઈ નરસિંગભાઈ ભાભોર સાથે સમાજના રીત-રિવાજ મુજબ થયા હતા. લગ્નના શઆતના સમયગાળામાં દંપતિ વચ્ચે બધું સામાન્ય રહ્યું હતું, પરંતુ બાદમાં પતિ દ્વારા નાની નાની બાબતોમાં ઝઘડા કરી અન્ય પુષો સાથે શંકા-વહેમ રાખી મારકૂટ કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
પરિણીતાના જણાવ્યા અનુસાર પતિ વારંવાર તું મને ગમતી નથી, મારે બીજી પત્ની લાવવી છે કહી અપમાનજનક શબ્દોમાં ગાળો બોલી ઘર છોડીને જવા દબાણ કરતા હતા. બહારગામ મજૂરી કામે ગયેલા સમયે પણ ફોન પર માતા-પિતા સાથે વાતચીત કરતી વખતે પતિ તથા જેઠ દ્વારા શંકા રાખી મારપીટ કરાઈ હોવાનો આક્ષેપ છે.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે પરિણીતાના પિતાએ બંને ગામોના પંચો ભેગા કરી અનેક વખત સમાધાનનો પ્રયાસ કર્યો હતો, છતાં પતિ તેને પરત લઈ જવા તૈયાર નહોતો. સસરા નરસિંગભાઈ ભાભોર અને સાસુ લલીતાબેન ભાભોર પણ અમારે બીજી પત્ની કરાવવી છે કહી ત્રાસ આપતા હોવાનું જણાવાયું છે. પરિણીતાએ આક્ષેપ કર્યો છે કે સાસુએ પહેરેલા કપડાંએ જ ઘર બહાર કાઢી મૂકી હતી, જ્યારે જેઠ જગદીશભાઈ તથા મિતેશભાઈ પણ પતિને ચઢામણીઓ કરી મારકૂટ કરાવતા હતા.
ત્રણ માસથી પિયરમાં રહેતી પરિણીતાએ નોંધાવી ફરિયાદ
ફરિયાદ મુજબ સાણંદ ખાતે મજૂરી દરમિયાન થયેલા ઝઘડાઓ બાદ પરિણીતાને તેના ગામના સરપંચના ઘરે મૂકી દેવામાં આવી હતી. ત્યારબાદ પિતા તેને ઘરે લઈ આવ્યા હતા અને છેલ્લા ત્રણ માસથી પરિણીતાએ પિયરમાં આશરો લીધો હોવાનું જણાવાયું છે.
આખરે પરિણીતાએ પોતાના પિતા સાથે હાજર રહી પતિ કલ્પેશભાઈ ભાભોર, સસરા નરસિંગભાઈ ભાભોર, સાસુ લલીતાબેન ભાભોર તથા જેઠ જગદીશભાઈ અને મિતેશભાઈ ભાભોર સામે ગુગોંવિંદ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.