
નસવાડીના ભગવાનપુરા ગામ પાસે એચટી વીજ લાઈન નજીક વૃક્ષની ડાળ ઉપર ભામર મધ છે. આ ડાળ એચટી લાઇનને અડતી હોઇ લાઇન ચાલુ કરે એટલે ફોલ્ટ થાય છે. આ મધપૂડો હટાવવા હવે હેલ્પર સહિત ખેડૂતો માણસ શોધી રહ્યા છે. તો ચાર દિવસથી ખેતી વીજ પાવર ઠપ રહેતાં ૩૦થી વધુ ખેડૂતોની મોટર બંધ પડતાં ઉભો પાક સૂકાઇ રહ્યો છે.
આજના ટેક્નોલોજી યુગમાં ભામર મધના કારણે ચાર દિવસથી વીજ પાવર ઠપ રહેતાં આશ્ચર્ય થાય છે. વૃક્ષની ડાળ એચટી વીજ લાઈનને અડકતી હોઇ ડાળ કાપવી જરી બની છે. તેવામાં હવે મધપૂડો ઉડાવે કોણ? ભામર મધ હોઇ તે ચોંટી પડવાનો ભય સતાવી રહ્યો છે. ચાર દિવસથી ભગવાનપુરા સીધીકુવા વાઘીયાના ખેડૂતો હેરાન બન્યા છે. કારણકે વીજ પાવર વગર અંદાજીત ૩૦થી વધુ કૂવા બોરની મોટરો બંધ પડી છે. જેને લઇ ખેડૂતોના તલ મકાઇ સહિત અન્ય પાકો પાણી વગર સૂકાઇ રહ્યા છે.
નસવાડી મધ્ય ગુજરાત વીજ કંપનીના બેજવાબદાર ઇજનેરો વીજ લાઈન ઉપર આજુબાજુના મસમોટા વૃક્ષ સમયસર કપાવતા નથી. તેના કારણે આવી પરિસ્થિતિ સર્જાઇ છે. હવે નસવાડી મધ્ય ગુજરાત વીજ કંપનીને ખેડૂતોએ જાણ કરી તો વીજ કંપનીના માણસો જ મધપૂડો ઉડાવે એવા જાણકાર માણસોને શોધી રહ્યા હોવાની જાણ થઇ. હવે માણસ મળશે ક્યારે અને મધપૂડાની માખો ઉડશે ક્યારે તેવા પ્રશ્નો ખેડૂત ઉઠાવી રહ્યા છે.
બોકસ:
ગાંધીનગર વડોદરા છોટાઉદેપુર જાણ કરો, મધમાખી ના હટે ત્યાં સુધી ખેતીનું શું? ગાંધીનગર વડોદરા છોટાઉદેપુર બધે તમે જાણ કરો. મધ્ય ગુજરાત વીજ કંપનીના હેલ્પરો મધપૂડા ઉડાવવા માણસ શોધે છે. એ માણસ મળે ક્યારે? ઉચ્ચ ઇજનેરો લાઈન જોવા નથી નીકળતા. ખેતરમાં પાક સૂકાઈ રહ્યા છે. હવે કરવાનું શું? દરેક વીજ પોલ પર મધપૂડા બેસશે તો શું એમજીવીસીએલ વીજ પાવર બંધ રાખશે? ખેડૂતોને પૂછો કેવી મહેનત થાય છે પાકને પકવવા. સરકાર ધ્યાન આપે તે જરી છે.: – રામદાસ ભીલ, ખેડૂત, સીધીકુવા