‘અર્થ’નું અર્થઘટન:રોકાણમાં વિકલ્પો અનેક, વૃદ્ધિ અને વૈવિધ્યીકરણથી રોકાણ વળતરદાયક નીવડી શકે

છેલ્લા 2 દાયકાથી સામાન્ય લોકો પરંપરાગત સરકારી સિક્યુરિટીમાંથી બહાર નીકળીને પોતાની બચત ગ્રોથ ઈન્સ્ટ્રુમેન્ટમાં રોકાણ કરવા તરફ વળ્યા છે. એના ઘણા બધા કારણ હોય છે પણ સૌથી મહત્વના 2 કારણ : ભારતનો વૈશ્વિક દબદબો અને ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (FDI). મજબૂત FDIનો પ્રવાહ જે 2024-25માં વધીને USD 81 બિલિયન થયો છે. આના કારણે ભારતની આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત બની. આનો અર્થ એ છે કે, ભારતના રોકાણકારોનો સરકાર અને લોકલ બજારોમાં વિશ્વાસ વધ્યો અને તેનાથી રોકાણનો ગ્રાફ દર વર્ષે વધતો જ રહ્યો. સામાન્ય રીતે કોર્પોરેટ અને સરકારી બોન્ડ્સ, સ્ટોક્સ અને ઈક્વિટી, મ્યુચ્યુઅલ ફંડ્સ, ETF વગરેમાં સામાન્ય લોકોનું રોકાણ ઘણું વધ્યું છે અને બજારે લોકોને કમાવીને પણ આપ્યું.

મ્યુચ્યુઅલ ફંડ :

હાલમા, મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડસ્ટ્રીમાં કુલ 44 AMC (asset management company) છે અને દરેક AMC પાસે ઓછામાંઓછી 25 થી 30 મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ હોય છે. એટલે ખાલી ગણતરી કરીએ તો પણ 1200થી વધારે સ્કીમ્સ ઉપલબ્ધ છે. જેમાં,

ટૂંકા ગાળાના ફંડ, અલ્ટ્રા ટૂંકા ગાળાના ફંડ, ડેટ ફંડ, લિક્વિડ ફંડ, બેલેન્સ એડવાન્ટેજ ફંડ, હાઇબ્રિડ ઇક્વિટી ફંડ, એગ્રેસિવ ઇક્વિટી ફંડ, સિક્યોર ફંડ, મિડ કેપ ફંડ, મલ્ટી કેપ ફંડ, મલ્ટી એસેટ એલોકેશન ફંડ, લાર્જ કેપ ફંડ, ફ્લેક્સી કેપ ફંડ, થિમેટિક ફંડ, સેક્ટોરિયલ ફંડ વિગેરે…. આ બધા જ ફંડ્સમાં ગ્રાહકની જોખમ લેવાની ક્ષમતા મુજબ રોકાણની શક્યતા રહેલી છે. એનો મતલબ એ થયો કે રોકાણની ખૂબ જ વાઇડ રેન્જ કસ્ટમરને મળી રહી છે અને સાથે સાથે રોકાણ ફક્ત Rs. 500થી દર મહિને શરૂ કરી શકાય તેવી સરળતા છે. આનાથી સામાન્ય વ્યક્તિ પણ ઓછા રોકાણ માં પણ માર્કેટનું વળતર લઈ શકે છે. માટે MF ની SIP ખૂબ જ પ્રચલિત બની છે. આમ તો MFમાં સામાન્ય રીતે 3 પદ્ધતિ હેઠળ રૂપિયાનું રોકાણ થતું હોય છે. જેમાં સામેલ છેઃ 1) SIP, 2). Lumpsum અને 3) SWP

  • SIP : ઓછામાં ઓછા રૂ. 500/મહિનાથી શરૂ
  • Lumpsum : minimum RS. 5000 – એક વારથી શરૂ
  • SWP : તમારા રોકાણમાંથી દર મહિને નિશ્ચિત રકમ તમારા બેંક ખાતામાં જમા થાય. માટે, મ્યુચ્યુઅલ ફંડ સામાન્ય લોકો માટે ખૂબ જ લોકપ્રિય બચત ઈન્સ્ટ્રુમેન્ટ સાબિત થઈ ગયું છે. જો તમારા રોકાણને તમે જો ઓછામાં ઓછા 7-8 વર્ષ આપો તો ઘણું સારું રિટર્ન મેળવી શકાય છે.

શેર્સ અને ઈક્વિટી :

  • શેર બજારમાં રોકાણ કરવું ખૂબ જ સમજી વિચારીને કરવામાં આવતો વિષય છે.
  • જો તમારી પાસે બચત ઉપરાંતના રૂપિયા, knowledge અને risk લેવાની ક્ષમતા હોય તો જ બજારમાં રોકાણ કરવું જોઈએ.
  • રોજ રોજનું ટ્રેડિંગ કરવામાં ક્યારેક નુકશાન પણ થતું હોય છે. સારો સ્ટોક લઈને મૂકી રાખીએ તો વળતરની સંભાવના વધી જાય.
  • પણ, એક વાત ચોક્કસપણે કહી શકાય કે શેર માર્કેટનો કોઈ પણ 15 વર્ષનો સમયગાળો લઈએ તો 12થી 15 % સુધીનું સરેરાશ વળતર મળ્યું છે.
  • માર્કેટ સેન્ટિમેન્ટ પર કામ કરતું હોય છે, માટે સમજી વિચારીને પોતાની મેહનતની મૂડી લગાવવી જોઈએ.
  • હાલના સમયમાં જોવા મળ્યું છે કે માર્કેટ તો વધે છે પણ મોટાભાગના રોકાણકારો કમાતા નથી, ખૂબ જ મર્યાદિત વર્ગ જ કમાતો હોય છે માટે વિચારીને રોકાણ કરવું હિતાવહ છે.