દૃષ્ટિ સારવાર સૌના માટે : આંખોની નિયમિત તપાસ અને સમયસર સારવાર અંગે જનજાગૃતિ.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા ૨૫ ઓગસ્ટથી ૮ સપ્ટેમ્બર દરમિયાન ૪૧ મા રાષ્ટ્રીય ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે.
પખવાડિયા દરમિયાન નાગરિકોમાં આંખોની સંભાળ, સમયસર તપાસ તથા દૃષ્ટિ સંબંધિત સમસ્યાઓ અંગે જનજાગૃતિ કેળવવા વિવિધ આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.
આંખોમાં તકલીફ જણાય ત્યારે ઘરેલુ ઉપચાર કે જાતે દવા લેવાને બદલે તાત્કાલિક નજીકના આશા વર્કર, નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC), સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC)ના ડૉક્ટર અથવા ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટનો સંપર્ક કરવા આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.
બાળકોની આંખોની નિયમિત દૃષ્ટિ ચકાસણી કરાવવી અત્યંત જરૂરી છે. શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત અંધત્વ નિયંત્રણ સોસાયટી દ્વારા ચશ્મા વિનામૂલ્યે આપવામાં આવે છે. તેમજ બાળકોને તીક્ષ્ણ તથા અણીદાર વસ્તુઓથી થતી આંખોની ઇજાઓથી બચાવવા વાલીઓએ વિશેષ કાળજી રાખવી જોઈએ.
સરકારી હોસ્પિટલોમાં મોતિયો, જામર (ગ્લુકોમા) તથા ડાયાબિટીસના કારણે આંખના પડદાને થતા રોગોની સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તેથી આંખોની તકલીફને અવગણવાને બદલે સમયસર નિદાન અને સારવાર કરાવવી જરૂરી છે.
આ પખવાડિયા દરમિયાન નાગરિકોને આંખોની નિયમિત તપાસ કરાવવા, આંખોની યોગ્ય કાળજી રાખવા તેમજ દૃષ્ટિ સંબંધિત સમસ્યા જણાય તો નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવા આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે