
કવાંટ તાલુકાના કડીપાણી ગામે મામલતદાર કચેરી દ્વારા રેશનકાર્ડ અને વૃદ્ધ પેન્શન યોજના માટે ઈ-કેવાયસી (KYC) કેમ્પ યોજાયો હતો. સરકારી યોજનાઓનો લાભ અવિરત મળતો રહે તે માટે કેવાયસી પ્રક્રિયા અનિવાર્ય છે. છેવાડાના ગ્રામજનોને તાલુકા મથક સુધી જવાની અગવડ ન પડે તે હેતુથી આ વિશેષ સેવા કેમ્પનું આયોજન કરાયું હતું.
આ કેમ્પમાં કડીપાણી ઉપરાંત હાફેશ્ર્વર, આંબાડુંગર, ઉમઠી, મોટીચીખલી, મોગરા, નાખલ, ખસરા અને બુંજર જેવા આસપાસના અંતરિયાળ ગામોમાંથી મોટી સંખ્યામાં ગ્રામજનો અને વૃદ્ધ લાભાર્થીઓ ઉમટી પડ્યા હતા. તેમણે પોતાની જરી કેવાયસી કામગીરી પૂર્ણ કરાવી હતી.
આદિવાસી વિસ્તારમાં મોટાભાગના ગ્રામજનો અશિક્ષિત હોવાથી તેમને ઓનલાઇન કેવાયસી અને ડિજીટલ દસ્તાવેજી પ્રક્રિયામાં મુશ્કેલી પડતી હોય છે. આ મુશ્કેલી નિવારવા કવાંટ તાલુકા પંચાયતના પૂર્વ ઉપ પ્રમુખ ભારેશભાઈ રાઠવા કેમ્પ સ્થળે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગ્રામજનોના ફોર્મ ભરવામાં, આધાર-પુરાવાઓની ચકાસણી કરાવવામાં અને પ્રક્રિયા સરળતાથી પૂર્ણ કરવામાં પ્રત્યક્ષ સહયોગ આપ્યો હતો.
વહીવટી તંત્રના સ્ટાફ અને સ્થાનિક આગેવાનના સહકારથી અંતરિયાળ વિસ્તારના અનેક પરિવારો અને વૃદ્ધોની કામગીરી સરળતાથી પૂર્ણ થઈ હતી. આનાથી લોકોએ સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.