૧૭ દિવસમાં ખાંડના ભાવ ૨૦ રૂપિયા વધ્યા, અરવિંદ કેજરીવાલે ઇથેનોલને દોષ આપ્યો

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે દેશભરમાં ખાંડના ભાવમાં તીવ્ર વધારા માટે મોદી સરકારના નિર્ણયને જવાબદાર ઠેરવ્યો છે. તેમણે કહ્યું કે શેરડીમાંથી ઇથેનોલના ઉત્પાદનને કારણે ખાંડનું ઉત્પાદન ઘટ્યું છે, અને ૧૭ દિવસમાં ખાંડ પ્રતિ કિલો ૨૦ રૂપિયા મોંઘી થઈ ગઈ છે. આ લોકો પેટ્રોલમાં ઇથેનોલ ભેળવીને તેલની આયાત પર ખર્ચાતા વિદેશી હૂંડિયામણને બચાવવાની વાત કરી રહ્યા હતા.

એક વીડિયો રિલીઝ કરીને, અરવિંદ કેજરીવાલે સરકાર દ્વારા લેવામાં આવી રહેલા વિવિધ નિર્ણયોનું વર્ણન કર્યું. તેમણે શેરડીની ખેતીને ઇથેનોલ બનાવવા માટે વાળી અને પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવાનું શરૂ કર્યું. એવું કહેવામાં આવ્યું હતું કે આનાથી પેટ્રોલ અને વિદેશી હૂંડિયામણ બચશે, જે આપણે વિદેશથી તેલ આયાત કરવા માટે ખર્ચીએ છીએ.

તેમણે કહ્યું કે શેરડીની ખેતીને ઇથેનોલ બનાવવા માટે વાળવાથી દેશમાં શેરડી અને ખાંડની તીવ્ર અછત સર્જાઈ છે. ખાંડની અછતને કારણે, છેલ્લા ૧૭ દિવસમાં તેના ભાવમાં પ્રતિ કિલો ૨૦ નો વધારો થયો છે. ખાંડ, જે ૧૭ દિવસ પહેલા ૪૬ પ્રતિ કિલો હતી, હવે ૬૫ પ્રતિ કિલો થઈ ગઈ છે.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે આપણો દેશ પહેલા ખાંડની નિકાસ કરતો હતો, પરંતુ હવે તે આયાત કરવાની યોજના બનાવી રહ્યો છે. તેલ પર ખર્ચાતા વિદેશી હૂંડિયામણને બચાવવા માટે ઇથેનોલનું ઉત્પાદન કરવામાં આવતું હતું, અને હવે આપણે તે વિદેશી હૂંડિયામણ ખાંડની આયાત પર ખર્ચ કરીશું. એક તરફ, ઇથેનોલ યુક્ત પેટ્રોલ લોકોના વાહનોને નુકસાન પહોંચાડી રહ્યું છે અને માઇલેજ ઘટાડી રહ્યું છે, જ્યારે બીજી તરફ, લોકો હવે મોંઘી ખાંડ ખરીદવા મજબૂર છે.અરવિંદ કેજરીવાલે કહ્યું કે જ્યારે શેરડીને ઇથેનોલ માટે વાળવામાં આવી હતી, ત્યારે તેમણે વિચારવું જાઈતું હતું કે ઇથેનોલ માટે કેટલી શેરડીનો ઉપયોગ થશે. “મને સમજાતું નથી,” તેમણે કહ્યું, “શું મોદી સરકારમાં ઉપરથી નીચે સુધી દરેક વ્યક્તિ અભણ છે?”અરવિંદ કેજરીવાલે કહ્યું કે અત્યાર સુધી લેવામાં આવેલા તમામ નિર્ણયોનો કોઈ ફાયદો થયો નથી. નોટબંધીએ દેશભરમાં ઘણા લોકોનો ભોગ લીધો. જ્યારે કોવિડ-૧૯ ત્રાટક્્યું, ત્યારે લોકોને ઓકસિજન સિલિન્ડર સપ્લાય કરવાને બદલે તાળીઓ પાડવાનું કહેવામાં આવ્યું.