
રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં મહિલા રેસિડન્ટ ડોક્ટર સાથે કથિત ગેરવર્તન, ગાળાગાળી અને મારામારીના કેસમાં પોલીસ કાર્યવાહી શરૂ થઈ છે. પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપી સિનિયર ડોક્ટર ડો. અશ્વીન વિઠ્ઠલભાઈ રામાણી ની ૨૧ ઓગસ્ટે અટકાયત કરી છે.
૨૦ ઓગસ્ટે બનેલી આ ઘટનાને પગલે રાજકોટ સિવિલ હોસ્પિટલના રેસિડન્ટ અને જુનિયર તબીબોમાં ભારે રોષ ફેલાયો હતો. ઘટનાના વિરોધમાં તબીબો રાત્રે વિરોધ પ્રદર્શન પર ઉતરી આવ્યા હતા. જોકે, ફરિયાદ નોંધાતા અને પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરાતા જુનિયર તબીબોએ હડતાળ સમેટીને ફરી ફરજ પર પરત ફરવાનો નિર્ણય કર્યો છે.
ઘટના બાદ હોસ્પિટલમાં તબીબોની સુરક્ષા અને સમગ્ર વ્યવસ્થા અંગે ચર્ચા શરૂ થઈ છે. સિવિલ હોસ્પિટલના ઇર્સ્ં, મેડિકલ કોલેજના ડીન સહિતના ઉચ્ચ અધિકારીઓ જુનિયર તબીબો સાથે બેઠક કરી રહ્યા છે. આ બેઠકમાં હોસ્પિટલમાં ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા અને વહીવટી સ્તરે કયા પગલાં લેવા તે અંગે ચર્ચા થઈ રહી છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલના અધીક્ષક ડો. મોનાલી માંકડિયાએ જણાવ્યું હતું કે આ ગંભીર બનાવ છે અને તેને લઈને બેઠક બોલાવવામાં આવી છે. કોલેજ કાઉન્સીલનો નિર્ણય લેવામાં આવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી માટે મોકલવામાં આવશે. ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે જરૂરી પગલાં લેવામાં આવશે.
પીડિત મહિલા રેસિડન્ટ ડોક્ટર ડો. ક્રિશા શીંગાળાએ અગાઉ પણ ડો. અશ્વીન રામાણી સામે ફરિયાદ કરી હોવાનો દાવો કર્યો છે. તેમના જણાવ્યા મુજબ, અગાઉની ફરિયાદ બાદ યોગ્ય કાર્યવાહી ન થતાં ફરી આ પ્રકારની ઘટના બની છે. આ ઉપરાંત દવાઓની હેરાફેરી સહિતના અન્ય મુદ્દાઓને લઈને પણ કાર્યવાહી અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે.
પીડિત ડો. ક્રિશા શીંગાળાના જણાવ્યા મુજબ, દર્દીની સારવારને લઈને તેમની અને મેડિકલ ઓફિસર ડો. અશ્વીન રામાણી વચ્ચે ગેરસમજ અને બોલાચાલી થઈ હતી. તેમના આક્ષેપ મુજબ, વાતચીત દરમિયાન ડો. રામાણી ઉશ્કેરાઈ ગયા હતા અને અશોભનીય શબ્દોનો ઉપયોગ કર્યા બાદ તેમના પર હાથ ઉપાડ્યો હતો. ડો. ક્રિશાએ હોસ્પિટલમાં આવા વર્તન કરનારા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ડો. ક્રિશાની માતા ભારતીબેને જણાવ્યું હતું કે તેમની દીકરી પીડીયુ હોસ્પિટલમાં ઇ૧ રેસિડન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવે છે. તેમના જણાવ્યા મુજબ, ડો. અશ્વીન રામાણીએ તેમની દીકરી સાથે ગાળાગાળી
કરી અને હાથ ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે સમગ્ર મામલે હોસ્પિટલ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, ૨૬ વર્ષીય ડો. ક્રિશા નિલેશકુમાર સિંગાળા રાજકોટના કાલાવડ રોડ વિસ્તારમાં રહે છે અને છેલ્લા છ મહિનાથી સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગમાં રેસિડન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવે છે. ૨૦ ઓગસ્ટે તેમની ૨૪ કલાકની ઇમરજન્સી ડ્યુટી હતી. સાંજે આશરે ૭ઃ૩૦થી ૭ઃ૪૫ દરમિયાન ગંભીર હાલતમાં એક વૃદ્ધ મહિલા સારવાર માટે આવ્યા હતા.દર્દીની સ્થિતિ નાજુક હોવાથી અને વેન્ટીલેટરની જરૂરિયાત જણાતી હોવાથી ડો. ક્રિશાએ ઇમરજન્સી વોર્ડમાં ફરજ પર રહેલા ડો. અશ્વીન રામાણી સમક્ષ દર્દીને ઇમરજન્સીમાં રાખવા અંગે રજૂઆત કરી હતી. ફરિયાદ મુજબ, દર્દીને જનરલ વોર્ડમાં શિફ્ટ કરવા જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ડો. ક્રિશાએ ફરી રજૂઆત કરતાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.