૩૧ ગ્રામ મેફેડ્રોન એમડી ડ્રગ્સ સાથે આરોપી નશીરખાન નારોલમાંથી ઝડપાયો , લાખોનો મુદ્દામાલ જપ્ત

નારોલ વિસ્તારમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેચાણ અને હેરફેર સામે કાર્યવાહી કરતાં નારોલ પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીના કબજામાંથી મેફેડ્રોન (એમડી) ડ્રગ્સ, ગાંજા તેમજ નશાની ગોળીઓ સહિત કુલ રૂ. ૧.૧૭ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પોલીસે ઝડપાયેલા આરોપીની ઓળખ નશીરખાન ઉર્ફે જંગી સજ્જમ ઉર્ફે ઉપેમાનખાન પઠાણ તરીકે કરી છે. તપાસ દરમિયાન તેના કબજામાંથી ૩૧ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, જેની કિંમત આશરે રૂ. ૯૧ હજાર હોવાનું જણાવાયું છે, મળી આવ્યું હતું.

આ ઉપરાંત પોલીસે ૧૨૮ ગ્રામ વનસ્પતિજન્ય ગાંજા પણ જપ્ત કર્યો છે. તેની અંદાજિત કિંમત રૂ. ૬,૪૦૦ હોવાનું સામે આવ્યું છે. આરોપી પાસેથી અલ્પ્રાઝોલમની ૩૦૦ ગોળીઓ અન પ્રેગાલેબ ૩૦૦ની ૩૫૦ ટેબલેટ પણ મળી આવી છે.

પોલીસે નશીલા પદાર્થો ઉપરાંત આરોપી પાસેથી મોબાઇલ ફોન અને રોકડ રકમ પણ કબજે કરી છે. સમગ્ર જપ્ત મુદ્દામાલની કુલ કિંમત રૂ. ૧.૧૭ લાખથી વધુ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, આરોપી વિરુદ્ધ અગાઉથી પણ અનેક ગુના નોંધાયેલા છે. તેના વિરુદ્ધ પીએએસએ હેઠળ કાર્યવાહી થઈ ચૂકી હોવાનું પણ જાણવા મળ્યું છે.

હાલ નારોલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. નશીલા પદાર્થો ક્યાંથી મેળવવામાં આવ્યા હતા, તેનો ઉપયોગ અથવા વેચાણ કોને કરવામાં આવતું હતું અને આ સમગ્ર નેટવર્કમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તે સહિતના મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે.