સંતરામપુરના ગામડી ગામે ૧૦૮ની ટીમે સમયસૂચકતા વાપરી નવજાત શિશુ અને માતાને નવજીવન આપ્યું

ગળામાં ગર્ભનાળ વીંટળાયેલી હોવા છતાં ૧૦૮ની ટીમે સ્થળ પર પ્રસુતિ કરાવી માનવતા મહેકાવી.

મહીસાગર જીલ્લાના સંતરામપુર તાલુકામાં ૧૦૮ ઇમરજન્સી સેવા ફરી એકવાર દેવદૂત સાબિત થઈ છે. ગત ૨૬ જુલાઈના રોજ રાત્રિના સમયે સંતરામપુરના ગામડી ગામના ચાંદેલી ફળિયામાં રહેતી એક સગર્ભા મહિલાને અચાનક પ્રસુતિની અસહ્ય પીડા ઉપડતા પરિવારે તાત્કાલિક ૧૦૮ સેવાનો સંપર્ક કર્યો હતો. સંદેશ મળતાની સાથે જ સંતરામપુર ૧૦૮ની ટીમ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સ્થળ પર પહોંચીને તપાસ કરતા પરિસ્થિતિ અત્યંત ગંભીર જણાઈ હતી, જેના પગલે ટીમે હોસ્પિટલ પહોંચવાની રાહ જોવાને બદલે સ્થળ પર જ પ્રસુતિ કરાવવાનો મહત્વનો નિર્ણય લીધો હતો.

પ્રસુતિની પ્રક્રિયા દરમિયાન એક મોટી જટિલતા સામે આવી હતી, જેમાં નવજાત બાળકના ગળામાં ગર્ભનાળ વીંટળાયેલી હતી. આવી કટોકટીની પળોમાં ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન (ઊખઝ) ધવલ પટેલે ભારે ધીરજ અને કુશળતાનો પરિચય આપ્યો હતો. તેમણે તાત્કાલિક ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર પર ફરજ બજાવતા ફિઝિશિયન ડોક્ટર ‚ચિ મેડમની ઓન-કોલ ટેલિફોનિક સલાહ લીધી હતી. જીવીકે ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા મળેલી સઘન તાલીમ અને નિષ્ણાત ડોક્ટરના માર્ગદર્શન હેઠળ સુરક્ષિત પ્રસુતિ પાર પાડવામાં આવી હતી.

આ સફળ કામગીરીના પરિણામે માતાએ એક સ્વસ્થ નવજાત પુત્રીને જન્મ આપ્યો હતો. પ્રસુતિ બાદ માતા અને નવજાત શિશુ બંનેની તબિયત સ્થિર જણાતા તેમને વધુ સારવાર અને સંભાળ માટે તાત્કાલિક લુણાવાડા સ્થિત ગવર્મેન્ટ કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ૧૦૮ની ટીમની ત્વરિત કામગીરી અને સમયસૂચકતાના કારણે એક કિંમતી જાન બચાવી શકાઈ છે, જે બદલ પરિવારજનોએ ગદગદિત થઈને ટીમનો આભાર માન્યો હતો.

આ સમગ્ર કામગીરીમાં ઊખઝ ધવલ પટેલ અને પાયલોટ હરીશભાઈ રણાએ ઉત્કૃષ્ટ સેવા પૂરી પાડી હતી. ગુજરાત સરકારના માતા અને બાળ મૃત્યુદર ઘટાડવાના મિશનને સાર્થક કરતી આ કામગીરીની પંથકમાં ભારે પ્રશંસા થઈ રહી છે. અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ૧૦૮ની સેવાઓ ગ્રામીણ વિસ્તારોમાં કઈ રીતે આશીર્વાદ‚પ સાબિત થઈ રહી છે તેનું આ શ્રેષ્ઠ ઉદાહરણ સંતરામપુરની ટીમે પૂ‚ં પાડ્યું છે.