રાજ્ય સરકારના મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યની મહિલાઓ સામાજીક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સંપન્ન થઈ સમાજમાં આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના સર્વાંગી વિકાસના મહત્વના પરિબળો જેવા કે સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય જેવા ક્ષેત્રમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુસર આગામી તા.૧ લી ઓગસ્ટથી તા.૮ મી ઓગસ્ટ દરમિયાન પંચમહાલ જીલ્લામાં નારી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે.
જે અંતર્ગત પંચમહાલ જીલ્લામાં આગામી તા.૧ લી ઓગસ્ટ થી તા.૮ મી ઓગસ્ટ, ૨૦૨૬ સુધી નારી વંદન સપ્તાહની ઉજવણી અન્વયે સમગ્ર સપ્તાહ દરમિયાન મહિલા સશક્તિકરણલક્ષી વિવિધ કાર્યક્રમો યોજાનાર છે.
પંચમહાલ જીલ્લામાં વિવિધ સ્થળોએ નારી વંદન સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત વિવિધ દિવસોની ઉજવણી કરવામાં આવશે. જેમાં તા.૧ લી ઓગસ્ટના રોજ મહિલા સુરક્ષા દિવસ, ૩ જી ઓગસ્ટના રોજ બેટી બચાવો – બેટી પઢાવો દિવસ, તા.૪ થી ઓગસ્ટે મહિલા સ્વાવલંબન દિવસ, તા.૫ ઓગસ્ટે મહિલા નેતૃત્વ દિવસ , તા.૬ ઓગસ્ટે મહિલા કર્મયોગી દિવસ, તા.૭ ઓગસ્ટે મહિલા કલ્યાણ દિવસ અને તા.૦૮ ઓગસ્ટના રોજ મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવશે.
આ સપ્તાહની ઉજવણીમાં પોલીસ વિભાગ, સી-ટીમ, શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ, બાળ સુરક્ષા એકમ, રોજગાર અને તાલીમ વિભાગ, જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, કૃષિ અને પશુપાલન વિભાગ, શ્રમ અને રોજગાર વિભાગ, સમાજ કલ્યાણ વિભાગ, જીઆઇડીસી, લીડ બેંક મેનેજર અને આઈસી ડીએસ સહિતના વિભાગ સહભાગી થશે તેમ પંચમહાલના જીલ્લા મહિલા અને બાળ અધિકારી દ્વારા જણાવવામા આવ્યું છે.