સંજેલીના પીછોડા ગામે નિવાસી પ્રા.શાળામાં વિદ્યાર્થીઓ પાસે કરાવાતી મજુરી

સંજેલી તાલુકાના પીછોડા ગામે શ્રી સંસ્કાર અનુદાનિત નિવાસી પ્રા.શાળામાં અભ્યાસ કરતા બાળકો પાસે મજુરોની જેમ કામ કરાવતા વિદ્યાર્થીઓને માથાના ભાગે ઈજા પહોંચતા ભાંડો ફુટ્યો હતો. જે અંગે વાલીએ કલેકટરને લેખિત રજુઆત કરાઈ હતી. જયારે શાળાના આચાર્યના મોૈન અંગે તર્કવિતર્ક સર્જાયા છે.

પીછોડા ગામે શ્રી સંસ્કાર અનુદાનિત નિવાસી પ્રા.શાળામાં લીમખેડા તાલુકાના અંધારી રાજેશ સુરેશ વાદી, દેવરાજ સુરેશ વાદી, પાયલ આ શાળામાં રહીને અભ્યાસ કરે છે. ડુંગર વિસ્તારમાં હોવાથી તંત્રની નિષ્કાળજી અને બેદરકારીને કારણે નિવાસી પ્રા.શાળામાં વિદ્યાર્થીને ઈજા સહિત હલકી કક્ષાના ભોજન અપાતા હોવાનો આક્ષેપ કરાયા છે. શાળાના આચાર્ય હિતેશ પટેલ અને તેજલબેન રાવત દ્વારા વિદ્યાથીઓ પાસે કચરા-પોતુ અને બાંધકામ સહિતની કામગીરીમાં વિદ્યાર્થીઓ પાસે મજુરી કરાવતા હોય છે. સરકારી નિયમોને નેવે મુકીને બાળકોને જમવાનુ ભોજન પણ યોગ્ય પ્રમાણે પીરસાતુ નથી. અવાર નવાર જીવાતો પણ નીકળતી હોવાથી આચાર્યને ચાર માસ અગાઉ પણ ટેલિફોનીક જાણ કરવામાં આવી હતી. રક્ષાબંધનના સમયે વિદ્યાર્થીઓ પાસે બાળ મજુરી કરાવતા હતા. ત્યારે પથ્થર હાથમાં છુટી જતાં માથામાં ગંભીર ઈજા થઈ હતી. છતાં બાળકની દવા કરાવવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યુ હતુ. રક્ષાબંધનની રજામાં ધરે આવેલા પુત્ર રાજેશના માથા પર લોહી નીકળતી ગંભીર ઈજા જોઈ પિતા ચોંકી ઉઠ્યા હતા. પુછતા બાળકે રડતા રડતા કહ્યુ હતુ કે, શાળાના આચાર્ય હિતેશભાઈ પટેલ શિક્ષિકા તેજલબેન રાવત અને ભણાવવાને બદલે મજુરી કામ કરાવે છે. પથ્થર ઉપાડતી વખતે માથામાં વાગી જતાં ગંભીર ઈજા થઈ હતી. દવાખાને લઈ જવાને બદલે આચાર્યએ બાળકોને ધમકી આપી હતી કે, જો આ વાત તમારા માતા-પિતાને કહેશો નહિ. માતા શાળાએ રજુઆત કરવા ગઈ તો આચાર્યે ઉદ્ધતાઈભર્યુ કહ્યુ, તમારા વાદીના છોકરાઓને બધાને સર્ટિ કાઢી આપીશ.તમારે થાય તે કરી લો…જયાં ફરિયાદ કરવાની હોય ત્યાં કરી લેજો…આચાર્યએ ઉડાઉ જવાબો આપતા કહ્યુ હતુ કે, એ તમારે સંચાલકને તેમજ રસોઈયાને જાણ કરવી પડે. આ મામલે વાલીએ કલેકટર સમક્ષ મુદ્દાની તપાસની માંગ કરી છે. આ બાબતે શાળાના આચાર્ય તેમજ શાળાના સંચાલકને વારંવાર ટેલીફોનીક સંપર્ક કરવા છતાં પણ ફોન ઉપાડવાનુ ટાળ્યુ હતુ. જયારે આચાર્યનો ‚બ‚ સંપર્ક કરતા મોૈન ધારણ કર્યુ હતુ.