સંખેડા તાલુકામાં ગોલાગામડી ખાતે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા યોજાઈ

સંખેડા તાલુકાના ગોલાગામડી ખાતે કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડાનું ઢોલ-નગારા અને ફૂલહારથી મોટી સંખ્યામાં કાર્યકરો દ્વારા સ્વાગત કરાયું હતું.

ગોલાગામડીથી શરૂ થયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો બાઈક રેલી અને ડીજે સાથે જોડાયા હતા. યાત્રા બહાદરપુર ટાવર ચોકે પહોંચી હતી, જ્યાં મા અંબાના દર્શન કર્યા બાદ બહાદરપુરના કાર્યકરોએ અમિત ચાવડાનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું.

ત્યારબાદ જન આક્રોશ રેલી સંખેડા ચોકડી ખાતે પહોંચી હતી, જ્યાં કોંગ્રેસના કાર્યકરો અને ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. અમિત ચાવડા અને અન્ય કોંગ્રેસના નેતાઓએ ભાથીજી મંદિર અને અર્જુન નાથ મહાદેવ મંદિરે દર્શન કર્યા હતા. આ યાત્રા હાંડોદ મુકામે પહોંચી હતી.

ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી જન આક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનાથી કોંગ્રેસ કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આ યાત્રા મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોની સમસ્યાઓ, આદિવાસીઓના હક્કો, ભ્રષ્ટાચાર અને અન્યાય જેવા જનતાના પ્રશ્ર્નો સામે અવાજ ઉઠાવવા માટે યોજાઈ છે.

સંખેડા તાલુકામાં આ યાત્રા કાલી તલાવડી, ગામડી ચોકડી, સંખેડા, હાંડોદ ટીંબા, ભાટપુર, વાસણા ચોકડી, કલેડીયા ચોકડી, નસવાડી, પલાસની ચોકડી, વઘાચ, ભાખા, નલવાટ, ખરમડા, થડગામ, દેવત, મોટી સાંકળ, ચાપરીયા અને કવાંટ જેવા વિસ્તારોમાં ફરશે.

આ ઉપરાંત, 29 ડિસેમ્બરના રોજ યાત્રા ખાટીયાવાંટ, મણાવાંટ, પાનવડ, સિંગલા, પીપલેજ ચોકડી, પાધરવાડ, વરધી ચોકડી, તેજગઢ, ધંધોડા, છોટાઉદેપુર, ઝોઝ, ધોડીસામેલ, કુંડળ, સટૂન, ભીખાપુરા, ખાંડી ચોકડી, બાર, ડુંગરવાટ, જેતપુર, સિહોદ, સુસ્કાલ, જાંબુગામ અને બોડેલી સુધી પહોંચશે.