પાનમ ડેમની સપાટી ઘટીને ૧૨૨.૭૦ મીટરે પહોંચી: વરસાદના અભાવે ઉપરવાસની આવક ઠપ્પ, સિંચાઈ વિભાગે કેનાલમાં ૭૫૦ ક્યુસેક પાણી છોડ્યું

પાનમ જળાશયની જળ સપાટીમાં સતત થઈ રહ્યો છે ઘટાડો..

5 જુલાઈએ 122.95 મીટર રહેલી સપાટી ઘટીને 122.70 મીટર પર પહોંચી

ઉપરવાસમાંથી પાણીની આવક બંધ થતાં જળાશયનું જળસ્તર ઘટ્યું

પંચમહાલ, મહીસાગર અને વડોદરા જિલ્લાના 100થી વધુ ગામોના ખેડૂતોને કેનાલનું મળી રહ્યું પાણી.

કેનાલમાં પાણી છોડાતા હજારો ખેડૂતોને મોટી રાહત, ઊભો પાક સુકાતો બચશે

પંચમહાલ અને મહીસાગર જિલ્લા માટે કુદરતી અમૃત સમાન ગણાતા પાનમ જળાશયની જળ સપાટીમાં છેલ્લા કેટલાક દિવસોથી ચિંતાજનક અને સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ચાલુ વર્ષે ચોમાસાની શરૂઆત બાદ એકાએક વરસાદ ખેંચાઈ જતાં સમગ્ર પંથકના ધરતીપુત્રોના જીવ તાળવે ચોંટ્યા હતા. ઉપરવાસમાંથી પાણીની નવી આવક થઈ રહી નથી. આવી વિકટ પરિસ્થિતિ વચ્ચે ખેતીના ઊભા પાકને બચાવવા માટે પાનમ સિંચાઈ વિભાગ દ્વારા પાનમ મુખ્ય કેનાલમાં ૭૫૦ ક્યુસેક પાણી છોડવામાં આવતા સિંચાઈ કેનાલ નું પાણી મેળવતા 100થી વધુ ગામના ખેડૂતોની હજારો હેક્ટર જમીનને આ પાણીનો સીધો લાભ મળતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઇ હતી.

પંચમહાલ અને મહીસાગર જિલ્લાની જીવાદોરી સમાન ગણાતા પાનમ જળાશયની જળ સપાટીમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ચિંતાજનક ઘટાડો નોંધાઈ રહ્યો છે. ચાલુ ચોમાસાની સીઝનમાં વાવણી બાદ એકાએક મેઘરાજાએ વિરામ લેતાં અને વરસાદ ખેંચાવાના કારણે સમગ્ર પંથકનો જગતનો તાત ભારે ચિંતિત બન્યો હતો. ઉપરવાસના વિસ્તારોમાં વરસાદના અભાવે ડેમમાં પાણીની નવી આવક તદ્દન બંધ થઈ ગઈ છે, જેના કારણે જળસ્તરમાં સતત ઘટાડો નોંધાયો છે.બીજી તરફ, વરસાદ ન પડવાને કારણે ખેતરોમાં ઊભો પાક સુકાઈ જવાની ભીતિ ઊભી થતાં ખેડૂતો દ્વારા સિંચાઈ માટે પાણી આપવાની ઉગ્ર માંગ કરવામાં આવી હતી. જગતના તાતની આ વ્યાકુળતા અને પાકની સ્થિતિને ધ્યાને રાખીને પાનમ સિંચાઈ વિભાગે પાનમ મુખ્ય કેનાલમાં ૭૫૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહયું છે. તંત્રના આ નિર્ણયથી ત્રણ જિલ્લાના હજારો ખેડૂતો ને ખેતી માટે સમયસર પાણી મળતા ખેડૂતો ની ચિંતા દૂર થઈ હતી.પાનમ જળાશયની ગત ૫ જુલાઈના રોજ જળ સપાટી ૧૨૨.૯૫ મીટર પર નોંધાયેલી હતી. જો કે, ત્યાર બાદના દિવસોમાં વરસાદ સંપૂર્ણપણે ગાયબ થઈ જતાં અને કમાન્ડ એરિયા તેમજ ઉપરવાસના કેચમેન્ટ વિસ્તારમાંથી પાણીની આવક બિલકુલ શૂન્ય થઈ જતાં ડેમનું જળસ્તર નીચે સરક્યું છે. હાલમાં જળાશયની સપાટી ઘટીને ૧૨૨.૭૦ મીટર જોવા મળી રહી હતી. જળાશયમાં પાણી ઓછું થઈ રહ્યું હોવા છતાં, ખેડૂતોના હિતને સર્વોપરી ગણીને પાનમ સિંચાઈ વિભાગ દ્વારા કેનાલ વહેતી કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો હતો.પાનમ જળાશયમાંથી છોડવામાં આવેલું ૭૫૦ ક્યુસેક પાણી માત્ર પંચમહાલ પૂરતું સીમિત નથી રહેવાનું. પાનમ કેનાલના વિસ્તૃત નેટવર્કના કારણે પંચમહાલ, મહીસાગર અને વડોદરા જિલ્લાના અંદાજે ૧૦૦થી વધુ ગામોના કમાન્ડ વિસ્તારની હજારો હેક્ટર જમીનને આ પાણીનો સીધો ફાયદો મળશે. નહેરો મારફતે ખેતરો સુધી પાણી પહોંચવાનું શરૂ થતાં જ સુકાઈ રહેલા પાકને નવું જીવન મળશે અને કટોકટીના સમયે તંત્ર દ્વારા લેવાયેલા આ સમયસરના પગલાના કારણે ત્રણ જિલ્લાના હજારો ખેડૂત પરિવારોમાં હરખની હેલી જોવા મળી રહી છે. અને ખેડૂતો ખેતી માં વ્યસ્ત જોવા મળી રહ્યા હતા.

બોક્સ…ચોમાસાના પ્રારંભિક તબક્કામાં ઉત્સાહભેર વાવણી કરી ચૂકેલા ખેડૂતો માટે પખવાડિયાથી ખેંચાયેલો વરસાદ મુશ્કેલીનું કારણ બન્યો છે. મોંઘા ભાવના બિયારણ અને ખાતર નાખીને તૈયાર કરેલો ડાંગર, મકાઈ સહિતનો કિંમતી પાક પાણી વિના સુકાઈ જવાની ભીતિ ઊભી થઈ હતી. જો આગામી થોડા દિવસોમાં પાણી ન મળે તો ખેડૂતોને માથે મોટું આર્થિક સંકટ આવી પડે તેમ હતું. જેને લઈને પાનમ સિંચાઈ વિભાગ દ્વારા સિંચાઈ કેનાલનું પાણી મેળવતા ૧૦૦થી વધુ ગામના ખેડૂતોના હિતમાં પાનમ સિંચાઇ કેનાલ માં પાણી છોડવામાં આવ્યું હતું.